ધનબાદઃ સોમવાર રાત્રે ધનબાદના કેંદુઆડીહ પોલીસ સ્ટેશન વિસ્તારના જેવરપટ્ટીમાં ભીષણ આગ લાગી હતી. આ આગ અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના કરુણ મૃત્યુ થયા છે. મૃતકોમાં એક ચાર વર્ષીય બાળકીનો સમાવેશ થાય છે. આ આગમાં ત્રણ સભ્યો ખરાબ રીતે દાઝી ગયા છે. જેમાં એક દોઢ મહિનાનો બાળક પણ છે. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મૃતક અને ઘાયલો એક જ પરિવારના સભ્યો છે.
કેંદુઆડીહ પોલીસ સ્ટેશન વિસ્તારના જેવરપટ્ટીમાં જનરલ શ્રૃંગાર સ્ટોલમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ. આ ભીષણ આગનું ઉગ્ર સ્વરુપ જોઈને આસપાસ અફરાતફરી મચી ગઈ. થોડાક જ સમયમાં અહીં હજારોની સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા. આ લોકો આગ ઓલવવા માટે પ્રયત્નો કરવા લાગ્યા. આગ લાગી તે સ્ટોલના ઉપરના મકાનમાં એક જ પરિવારના કુલ 6 સભ્યો હાજર હતા.
આગ દુર્ઘટના સ્થળે હાજર લોકોએ સ્ટોલની ઉપરના મકાનમાં ફસાયેલા પરિવારના સભ્યોને બચાવવાની કામગીરી પણ શરુ કરી દીધી. સત્વરે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. થોડાક જ સમયમાં ફાયર બ્રિગેડની બે મોટી અને એક નાની ગાડી ઘટના સ્થળે આવી પહોંચી. શ્રૃંગાર સ્ટોલમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે થોડા સમયમાં પડોશમાં રહેલા ઈલેક્ટ્રિક સ્ટોલને પણ ઝપટમાં લઈ લીધો. બે દુકાનમાં લાગેલી આગે ઉગ્ર સ્વરુપ ધારણ કરી લીધું હતું.
ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચે તે પહેલા હાજર લોકોએ આગમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવાનું શરુ કરી દીધું હતું. જો કે આગના રૌદ્ર સ્વરુપ આગળ સૌ લાચાર હતા. આગને લીધે પરિવારના સભ્યોની સ્થિતિ ગંભીર બનતી જતી હતી. લોકોએ બાલ્કની સુધી સીડી લગાડી અને ઘણી મુશ્કેલીથી ત્રણ સભ્યોને આગની બહાર કાઢ્યા. ત્યારબાદ ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ સંભાળી લીધી. આગ પર સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. ફાયર બ્રિગેડે પણ રેસ્કયુ ઓપરેશન કરી ત્રણ લોકોને આગમાંથી બહાર કાઢ્યા હતા.
હાજર લોકોએ આગમાંથી જે ત્રણ લોકોને બહાર કાઢ્યા તેમાં દુકાનદાર સુભાષની 30 વર્ષીય બેન પ્રિયંકા ગુપ્તા, ભાઈ સુમિત ગુપ્તા અને દોઢ વર્ષના બાળક શિવાંશનો સમાવેશ થાય છે. જો કે આ ત્રણેય જણા ગંભીર રીતે દાઝી ગયા હતા. ફાયર બ્રિગેડે સુભાષની 65 વર્ષીય માતા ઉમાદેવી, પત્ની સુમન ગુપ્તા અને 4 વર્ષીય મૌલીને બહાર કાઢ્યા હતા. આ ત્રણેય જણાની સ્થિતિ અત્યંત ગંભીર હતી જેમને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પ્રિયંકા, ઉમાદેવી અને મૌલીના કરુણ મૃત્યુ નિપજ્યા છે. જ્યારે સુમન ગુપ્તા, સુમિત ગુપ્તા અને દોઢ વર્ષના શિવાંશનો ઈલાજ ચાલી રહ્યો છે. આગ દુર્ઘટના સમયે સુભાષ ગુપ્તા અને તેમના પિતા અશોક ગુપ્તા ઘરે હાજર નહતા તેથી તેમનો જીવ બચી ગયો હતો.