ભાવનગર: ઉતરાયણ પર્વ મનુષ્ય માટે મજારૂપ જરૂર બની જાય છે. પરંતુ અબોલ પક્ષીઓ માટે માનવીની થોડીવારની આ મજા સજામાં બદલાઈ જાય છે. ઉત્તરાયણ પર્વે પતંગની દોરીથી અસંખ્ય પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય છે, ત્યારે ભાવનગર શહેરમાં વન વિભાગ અને એનજીઓ દ્વારા આવા ઈજાગ્રસ્ત પક્ષીઓ માટે સારવાર સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે, ત્યારે જાણીએ કે દોરીથી ક્યાં સૌથી વધુ પક્ષીઓને ઈજા થાય છે અને મૃત્યુ પામે છે. ચાલો આ વિશે આરોગ્ય નિષ્ણાંતો અને વન્યજીવ વિશેષજ્ઞો પાસેથી જાણીએ
મનુષ્યની મજા, પક્ષીઓ માટે કેવી રીતે બને સજા ?
ઉતરાયણમાં મનુષ્યને આવતી થોડીવારની મજા અબોલ મૂંગા પક્ષીઓ માટે સજારૂપ બની જાય છે. ભાવનગર શહેરમાં વન વિભાગ અને એનજીઓ દ્વારા ઉતરાયણમાં ઇજાગ્રસ્ત થતા પશુ-પક્ષીઓ માટે સારવાર કેન્દ્રની તૈયારી કરવામાં આવી છે. જો કે મોટાભાગે પક્ષીઓને ક્યાં ઇજા થવાથી તેઓ મૃત્યુ પામતા હોય છે અથવા તો વધુ તેને ક્યાં ઇજાઓ થાય છે. તેના વિશે આ અહેવાલમાં જણાવવાનો પ્રયાસ કર્યો છે.
સરકારનું કરુણા અભિયાન કાર્યરત
ભાવનગર શહેરના RFO દિવ્યરાજસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવે છે. આ વર્ષે 2025ના વર્ષમાં કરુણા અભિયાન 2025 ગુજરાત સરકાર દ્વારા કાર્યરત કરવામાં આવ્યું છે. તેમાં ખાસ કરીને 10 જાન્યુઆરીથી લઈ અને 20 જાન્યુઆરી સુધી આ કરૂણા અભિયાન વન વિભાગ, પશુ દવાખાનુ અને એનજીઓ સાથે મળી અને એકબીજાના સહકારથી ચલાવતા હોય છે. જેમાં ખાસ કરીને ઘાયલ પક્ષીઓની સારવાર ત્યારબાદ સારવાર આપ્યા પછી સારા પક્ષીઓને રિલીઝ અને કાયમી ખોડખાપણ વાળા પક્ષીઓને ઝુમાં મોકલવામાં આવતા હોય છે.
કલેક્શન સેન્ટર અને સારવાર કેન્દ્રો તૈયાર
દિવ્યરાજસિંહએ વધુમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને જોઈએ તો ભાવનગર રેન્જમાં કુલ આઠ સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે, તેમાંથી બે સારવાર કેન્દ્ર છે, અને છ કલેક્શન સેન્ટર છે. મુખ્યત્વે વિક્ટોરિયા પાર્ક સારવાર કેન્દ્ર અને નવાપરા પશુ દવાખાનુ આ બંને સારવાર કેન્દ્ર છે. આ બંને જગ્યાએ પક્ષીઓની સારવાર થાય છે. સમાચાર માધ્યમથી આમ જનતા અને તમામને વન વિભાગ અને તમામ ડિપાર્ટમેન્ટ વતી અપીલ કરવામાં આવી છે કે, કોઈ પણ જગ્યાએ આપણે નજીકમાં ઘાયલ પક્ષી જોઈએ તો નજીકના સારવાર કેન્દ્ર અથવા તો કલેક્શન સેન્ટર સુધી પહોંચાડીએ.
ગત વર્ષે કેટલાં પક્ષીઓના મોત
દિવ્યરાજસિંહએ વધુમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે 160 આસપાસ પક્ષીઓ આવેલા હતા. તેમાંથી ઘણા ખરા પક્ષીઓને સાજા કરીને રિલીઝ કરવામાં આવ્યા છે, અને આ કરુણા અભિયાન સારી રીતે પરિપૂર્ણ થાય અને ખાસ કરીને પતંગ ચગાવવામાં જનતાને અપીલ કે 9.00 વાગ્યા પહેલા અને 5.00 વાગ્યા પછી પતંગ ના ચગાવીએ, જે પક્ષીઓનો અવર-જવર કરવાનો મુખ્યત્વે સમય હોય છે. જોકે તળાવ વિસ્તારમાં પેન્ટેડ સ્ટોકની કોલોની હોવાથી વધુ ઇજાગ્રસ્ત પેન્ટર્ડ સ્ટોક પક્ષીઓ થાય છે. ગત વર્ષે 60 જેટલા પક્ષીઓના મૃત્યુ નીપજ્યા હતા.
પક્ષીઓને દોરીથી સૌથી વધુ ઇજા ક્યાં ભાગમાં થાય
આ અંગે ડોક્ટર ધવલ સાવલિયા વેટરનરી ઓફિસર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભાવનગર મોટાભાગના જે આપણે પક્ષી આવે છે, શિડયુલ વનને શિડયુલ ટુના એમાં પાંખની અને ગળાના ભાગની ઈજા વધારે જોવા મળે છે. જેમાં સૌથી વધારે ડેથ રેટ 50% જેટલો હોય છે, અને મોટાભાગના જે પક્ષીઓ છે તે દોરાઓથી વીંટળાયેલા હોય છે. તાર ઉપર અને ઝાડવા ઉપર એના લીધે મોટા ભાગની ઈજાઓ થતી હોય છે, જેને રીપેર થવા માટે મિનિમમ 15 થી 20 દિવસ થાય છે 15 થી 20 દિવસ સુધી ફોલોપ લઈ અને પછી તેમને રિલીઝ કરવામાં આવે છે.