અમદાવાદઃ ઉત્તરાયણના તહેવારમાં તલ, ગોળ, ચીક્કી, શેરડીની સાથે સાથે છેલ્લા કેટલાક વર્ષોથી ઊંધિયાનું પ્રચલન પણ ખૂબ જ વધ્યું છે. ઉત્તરાયણના તહેવારમાં લગભગ બધાને ઘરે એક જ શાક બનતું હોય છે તે મોટા ભાગે ઊંધિયું હોય છે. ત્યારે કેટલાક પતંગ રસીકો પતંગ ચગાવવામાં એટલા મશગુલ હોય છે કે ઘરે ઊંધિયું બનાવવાનો સમય તેઓ આપી શકતા નથી. તે માટે તેઓ બહારથી ઊંધિયું લે છે, પરંતુ આ વખતે ઊંધિયાના ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.
કેટલા થઈ ગયા ઊંધિયાના ભાવ
જેવી રીતે ઉત્તરાયણના પર્વ નિમિત્તે ઊંધિયાનું પ્રચલન વધ્યું છે પરંતુ સાથે સાથે તેને પણ મોંઘવારીનો માર નળી રહ્યો છે. કેટલાક ઊંધિયું વેચનાર દુકાનદારો સાથે વાત કરતા જાણવા મળ્યું કે, ગત વર્ષે જે ઊંધિયું 270 થી 350 સુધી વેચાતું હતું તે આ વખતે 370 થી 500 રૂપિયા સુધીના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે અમદાવાદની આશ્રમ રોડ પરની જાણીતી જગ્યાઓ પરથી જાણકારી મેળવી ત્યારે તો આંખો ફાટી જાય તેટલો ભાવ જોવા મળ્યો હતો. 900 રૂપિયા સુધીનું અહીં ઊંધિયું મળી રહ્યું હતું.
દર વર્ષે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના બે દિવસમાં અમદાવાદ શહેરના લોકો લાખો રૂપિયાનું ઊંધિયું ખાઈ જતા હોય છે પરંતુ આ વખતે આ આંકડો થોડોક મોટો થાય તો તેમાં કોઈ શંકા નથી કેમકે ઊંધિયાના ભાવમાં પણ એટલો વધારો થયો છે.
હાઈ ડિમાન્ડમાં ઊંધિયું
દુકાનદારોનું કહેવું છે કે શાકભાજી, મરી-મસાલા, સહિત તેલના ભાવમાં પણ વધારો થયો હોવાથી ઊંધિયાના ભાવમાં વધારો થાય તે સ્વાભાવિક છે પરંતુ આ વર્ષે પણ ઊંધિયાની દર વર્ષ જેવી જ માંગ છે, તેવું પણ દુકાનદારો જણાવી રહ્યા છે.
હાલ તમામ ઊંધિયું વેચનાર લોકો ઊંધિયું બનાવવાની તૈયારીઓમાં લાગી ગયા છે. તેમનું કહેવું છે કે, ઉત્તરાયણ પૂર્વેની રાત્રેથી જ ઊંધિયાનું વેચાણ શરૂ થઈ જશે તેની સાથે રાત્રિના સમયે મોટી લાઈનો લાગવાની સંભાવનાઓ પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે તમને જણાવી દઈએ કે ઊંધિયાની સાથે-સાથે જલેબી બનાવવાની પણ તૈયારીઓ એટલી જ જોરશોરથી ચાલી રહી છે. સાથે લીલવાની કચોરીની માંગ પણ લોકોમાં જોવા મળી રહી છે.