જામનગરઃ જામનગરમાં ગુજસીટોક કેસમાં સંડોવાયેલા જાડેજા બંધુઓ જસપાલ જાડેજા અને યશપાલ જાડેજા સામે વિભાપરના એક ખેડૂતને ધાકધમકી આપી 15 લાખ રૂપિયાનું સાડા ત્રણ કરોડ જેટલું વ્યાજ વસૂલવા માટે ધમકી અપાઇ હોવાની અને તેની 6 વીઘા ખેતીની જમીન પચાવી પાડવા અંગેનું કાવતરું સામે આવતા કુલ ત્રણ સામે ગુનો નોંધાવામાં આવ્યો છે. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આ જાડેજા બ્રદર્સ
હજુ જમીન પર છૂટયા અને બંને ભાઈ ફરી જેલ હવાલે
પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો પ્રમાણે, જામનગર તાલુકાના વિભાપર ગામમાં રહેતા પટેલ ખેડૂત કે જેઓને અગાઉ પૈસાની જરૂરિયાત પડતા જામનગરના યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તથા જસપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તથા અશોક ચંદારાણા નામના શખ્સે ખેડૂતને 15 લાખ રૂપિયા વ્યાજે આપ્યા બાદ તેનું આશરે સાડા ત્રણ કરોડ જેટલું રાક્ષસી વ્યાજ માગ્યું હતું. સાથે જ ખેડૂતને ધાક ધમકી અપાઈ હતી. એટલું જ માત્ર નહીં, ત્રણેય આરોપીઓએ ખેડૂતની આશરે 6 વિધા જેટલી વિભાપર ગામમાં આવેલી ખેતીની જમીન પણ પચાવી પાડવા માટેનો કારસો રચ્યો હતો.
આખરે આ મામલો જિલ્લા પોલીસવડા સમક્ષ લઈ જવાયો હતો અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ આ સંદર્ભમાં સીટી બી. ડિવિઝનના પી.આઇ. પી.પી. ઝાને તાત્કાલિક અસરથી ગુનો નોંધવા માટે આદેશ કર્યો હતો. જે આદેશ અનુસાર સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં યશપાલસિંહ જાડેજા અને જસપાલસિંહ જાડેજા તેમજ અશોક ચંદારણા સહિત ત્રણેય સામે ગેરકાયદે નાણાં ધિરધાર કરવા ઉપરાંત ખેતીની જમીન પચાવી પાડવાનો કારસો રચવા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.