વડોદરા : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. વડોદરા જિલ્લામાં કરજણ નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો છે. કરજણ સેવા સદન ખાતે સવારે 9:00 કલાકથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો લીડમાં રહ્યા હતા.
કરજણ નગરપાલિકા પર ભગવો લહેરાયો : વડોદરા જિલ્લાના કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં મતગણતરીની શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો દબદબો રહ્યો હતો. જેને લઈને સમર્થકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. કરજણ નગરપાલિકાની કુલ 28 બેઠકો પૈકી 19 બેઠક ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કરી હતી. જ્યારે આઠ બેઠકો પર AAP ના ઉમેદવાર અને એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા થયા હતા.
કોંગ્રેસનો થયો સફાયો, AAP નો ઉદય : કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં ખૂબ જ રસાકસીભર્યા માહોલ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના 19 ઉમેદવારોએ જીત હાંસલ કરી હતી. પરંતુ જો કરજણ નગરપાલિકાની વાત કરવામાં આવે તો કોંગ્રેસનું ખાતું ખુલ્યું જ ન હતું. બીજી તરફ આમ આદમી પાર્ટીના 8 જેટલા ઉમેદવારોએ જીત હાંસલ કરી છે તથા એક અપક્ષ ઉમેદવારે જીત હાંસલ કરી હતી.
ચૂંટણી પ્રભારી-શહેર પ્રમુખ ગેલમાં આવ્યા : કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં બંને પક્ષે આમને સામને આવ્યા હતા. ત્યારે વોર્ડ નંબર સાતમાં વડોદરા શહેર ભાજપ પ્રમુખે કરેલ એક ટિપ્પણીને લઈને તેઓ સમગ્ર ચૂંટણી પ્રચારમાં ભારે ચર્ચાસ્પદ બન્યા હતા. પરંતુ આજરોજ 19 બેઠકો હાંસલ કરતા તેઓ ગેલમાં આવી ગયા હતા. સમર્થકોએ પ્રભારી ડૉ. વિજય શાહને ખભા ઉપર બેસાડીને જીતનો ઉત્સાહ મનાવ્યો હતો.
શહેરમાં ભાજપનું વિજય સરઘસ : કરજણ નગરપાલિકાની ચૂંટણીના પરિણામો આવી જતાની સાથે જ વિવિધ વોર્ડના વિજેતા ઉમેદવાર અને સમર્થકો સાથે ડીજેના તાલે વિજય સરઘસ કાઢવામાં આવ્યા હતા. જેને લઇને સમગ્ર શહેર વિજય સરઘસથી ભરાઈ ગયું હતું. સમર્થકોએ ભારે ઉત્સાહથી આ વિજય ઉત્સવ મનાવ્યો હતો, જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.