- મમતા બેનરજી અને તેજસ્વી યાદવની બેઠક બાદ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાશે
- RJDએ 6 બેઠકની માગ કરી, મમતા બેનરજીની પાર્ટીએ જવાબ નથી આપ્યો
- કોલકાતા પહોંચવાની જાણકારી તેમણે ટ્વિટરના માધ્યમથી આપી હતી
પટનાઃ આરજેડી નેતા તેજસ્વી યાદવ રવિવારે બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીને મળવાના હતા, પરંતુ કોઈ કારણોસર આ મુલાકાત ટળી જતા આજે બંને નેતા કોલકાતામાં મુલાકાત કરે તેવી શક્યતા છે. ત્યારબાદ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે તેવો અંદાજ લગાવવામાં આવે છે. આ બેઠકમાં તેજસ્વી યાદવ અને મમતા બેનરજી ગઠબંધન હેઠળ ચૂંટણી લડવા અંગે ચર્ચા કરશે. જોકે, પશ્ચિમ બંગાળની સીમા બહારથી જોડાયેલી છે. જ્યારે તેજસ્વી યાદવ ટીએમસી સાથે ગઠબંધન કરી ચૂંટણી લડવાનું વિચારી રહ્યા છે.
આરજેડી તરફથી 6 બેઠકની માગ રાખવામાં આવી
આપને જણાવી દઈએ કે, અબ્દુલ બારી સિદ્દિકી અને શ્યામ રઝકે બે અઠવાડિયા પહેલા મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી સાથે મુલાકાત કરી હતી. તેમની સાથે મુલાકાત કરી આરજેડીનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. આરજેડી તરફથી 6 બેઠકની માગ રાખવામાં આવી છે. મમતા બેનરજીની પાર્ટી તરફથી કોઈ જવાબ મળ્યો નથી. હવે ચૂંટણીની તિથિઓની જાહેરાત પછી આરજેડીની મુશ્કેલી વધી છે. જોકે, કોંગ્રેસ અને વામદળોએ આરજેડી માટે દરવાજા ખોલી રાખ્યા છે. જ્યારે આરજેડી ઈચ્છે છે કે, ટીએમસીને પ્રાથમિકતા આપવામાં આવે.
આસામથી બંગાળ પહોંચ્યા તેજસ્વી યાદવ
આરજેડી બંગાળ અને આસામમાં ચૂંટણી લડવા જઈ રહી છે. આ કારણે જ તેજસ્વી બંને રાજ્યોના પ્રવાસે છે. રવિવારે બપોર સુધી તેઓ આસામમાં હતા. બપોર પછી પશ્ચિમ બંગાળના કોલકાતા પહોંચ્યા હતા. આસામના ગુવાહાટીમાં તેમણે એઆઈયુડીએફ પ્રમુખ બદરૂદ્દીન અજમલ સાથે મુલાકાત કરી હતી. તેમણે આસામની આગામી વિધાનસભા ચૂંટણી અંગે ચર્ચા કરી હતી. તેમની સાથે આરજેડીના વરિષ્ઠ નેતા અબ્દુલ બારી સિદ્દિકી, આરજેડીના રાષ્ટ્રીય મહાસચિવ શ્યામ રઝક અને અન્ય નેતા પણ જોડાયા હતા. કોલકાતા પહોંચવાની જાણકારી તેમણે ટ્વિટરના માધ્યમથી આપી હતી.
આસામમાં કોંગ્રેસ અને બદરુદ્દીન અજમલની પાર્ટીની સાથે તાલમેળ બેસાડવાનો પ્રયત્ન કરે છે
આસામ અને પશ્ચિમ બંગાળની આગામી વિધાનસભા ચૂંટણીમાં આરજેડી ગઠબંધન કરીને ચૂંટણી લડવા માગે છે. આસામની યાત્રા દરમિયાન તેજસ્વીએ કોંગ્રેસ નેતા રિપુણ બોરા સાથે મુલાકાત કરી હતી. તેઓ આસામમાં કોંગ્રેસ અને બદરુદ્દીન અજમલની પાર્ટીની સાથે તાલમેળ બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની સાથે ગઠબંધનની સંભાવના પણ તપાસી રહી છે.