- લૉકડાઉનની લોકોના માનસિક અને શારીરિક આરોગ્ય પર અસર પડી
- ક્વોરન્ટાઈનનો સમયગાળો પસાર કરવો લોકો માટે બન્યો હતો મુશ્કેલ
- માનસિક સ્થિતિમાં ફેરફાર થવાથી કેટલાક લોકો ‘ઈમોશનલ ઇટિંગ’ તરફ વળ્યા
ન્યૂઝ રૂમઃ ઘરેથી કામ કરવાના કલાકો વધી જવાના કારણે લોકોની જીવનશૈલી બેઠાડુ થઈ ગઈ હતી. તેમણે લાંબા કલાકો સુધી કોઈ પણ પ્રકારની ગતિવિધિ વિના બેઠા રહેવું પડતું હતું. વળી, ઓછી ઊંઘ, તણાવ, બિનઆરોગ્યપ્રદ આહાર અને વધુ પડતા ભોજન જેવા કારણોને લીધે લોકોનું વજન વધી ગયું હતું. તેમાં વળી જિમ પણ બંધ હતાં. આ ઉપરાંત, ક્વોરન્ટાઈનના સમયગાળામાં લોકોની માનસિક સ્થિતિમાં ફેરફાર થવાના કારણે તેઓ ‘ઈમોશનલ ઇટિંગ’ તરફ વળ્યા હતા અને તેમના માટે ફિટનેસ રૂટિનને વળગી રહેવું અઘરૂં બન્યું હતું.
લોકોનું વજન વધવા પાછળ ઘણા કારણો જવાબદાર
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, લૉકડાઉનમાં લોકોનું વજન વધવા પાછળ વિવિધ પ્રકારનાં કારણો જવાબદાર છે. નિષ્ણાતો વજન વધવાની સ્થિતિ માટે બેઠાડુ જીવનશૈલી, શારીરિક પ્રવૃત્તિ અને હલન-ચલનનો અભાવ, ખાવા-પીવાની ખોટી આદતોને જવાબદાર ઠેરવે છે. જ્યારે તમારા શરીરમાં રોજિંદા ધોરણે જતી કેલેરીનું પ્રમાણ વપરાશમાં લેવાતી કેલેરી કરતાં વધી જાય, ત્યારે વજન વધવા લાગે છે. લૉકડાઉન દરમિયાન લોકોએ ઘણી વધુ માત્રામાં કેલેરીયુક્ત આહારનું સેવન કર્યું હતું. લોકો આટલા લાંબા સમય સુધી રોજિંદા ધોરણે એક સાથે આટલું ભોજન આરોગવા માટે ટેવાયેલા નહોતા. સવારની ચાથી લઇને સાંજનો નાસ્તો, બ્રેકફાસ્ટ, બપોરનું ભોજન, રાત્રિ ભોજન અને મોડી રાતે નાસ્તો કરવો કે મીઠાઇ, આઇસ્ક્રીમ વગેરે ખાવું – આ તમામ આહારનું સેવન કરવું એ રોજિંદો ક્રમ થઇ પડ્યો હતો," તેમ ડાયેટક્વીનનાં સ્થાપક ડો. કિરણ રૂકડીકરે જણાવ્યું હતું.
ખાવાથી મૂડમાં સુધારો થાય છે
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "ખાવાથી મૂડમાં સુધારો થાય છે અને તણાવમાંથી રાહત મળે છે. તમે જેટલું વધારે ખાઓ છો, તેટલા વધુ ખુશમાં રહો છો. પરંતુ, તેના કારણે તમારા સ્વાસ્થ્ય સામે સમસ્યાઓ સર્જાય છે. હવે જ્યારે આપણે મહામારી ઉપર નિયંત્રણ મેળવી રહ્યાં છીએ, ત્યારે સ્વયંનું ધ્યાન રાખવું એ આપણી ફરજ છે. સમગ્ર વિશ્વનું જનજીવન પુનઃ થાળે પડી રહ્યું છે, આથી તમારે પણ પૂર્વવત્ સ્થિતિ પ્રાપ્ત કરવી જોઇએ. દિલ્હી સ્થિત એપોલો સ્પેક્ટ્રાના બેરિયાટ્રિક સર્જન સુખવિન્દર સિંઘ સગ્ગુ દ્વારા સૂચવવામાં આવેલી વજન ઘટાડવા માટેની આ ટિપ્સ શરીરની ચરબી દૂર કરવામાં, તંદુરસ્ત રહેવામાં અને આરોગ્યપ્રદ જીવન જીવવા માટે તમને મદદરૂપ થઇ પડશે.
તણાવ દૂર કરવાની કોશીશ કરો
આપણે સૌ જાણીએ છીએ કે, શરીર પર તણાવની અવળી અસર પડતી હોય છે. તે જ રીતે, ઘણા અભ્યાસો સૂચવે છે કે, તણાવને કારણે વજન વધી શકે છે. જો તમારું વજન વધવા માટે તણાવ જવાબદાર હોય, તો તમારે મન શાંત કરવાની જરૂર છે. આ માટે તમારે તમારી સ્થિતિસ્થાપકતામાં સુધારો કરવો અનિવાર્ય છે. જ્યારે પડકારજનક સ્થિતિ ઉદ્ભવે, ત્યારે સ્વયંને પ્રેરણા તથા સહાય પૂરી પાડવાની કોશીશ કરો. તણાવ દૂર રાખવા માટે તમે યોગ અને ધ્યાનનો વિકલ્પ પણ અજમાવી શકો છો. આ ઉપરાંત શાંત થવા માટે ઉપયોગી કેટલીક શ્વાસોચ્છવાસની એક્સરસાઇઝ પણ કરી શકો છો. તમે ઇચ્છો તે કરી શકો છો. સંગીત સાંભળો, ડાન્સ કરો, રસોઇ બનાવો કે પછી ગાર્ડનિંગ કરો. યોગ્ય રૂટિનનું અનુસરણ કરો.
નોંધ કરવી એ સારો ઉપાય છે
તમે જે પણ આરોગો છો, કેટલા તેલનો ઉપયોગ કરો છો કે પછી નાસ્તામાં શું ખાઓ છો, વગેરે વિગતોની તમારે નોંધ ટપકાવવી પડશે. હા, એ સમજી શકાય તેવી બાબત છે કે, તમારી ખાણી-પીણીની આદતોમાં મોટાપાયે ફેરફાર થયો હશે, આથી તમે અમસ્તા જ કશુંક ખાઇ લેવાનું કે ‘ઈમોશનલ ઇટિંગ’ ટાળવું પડશે. તમે બ્રેકફાસ્ટ, લન્ચ અને ડિનરમાં શું લેશો, તેનું પ્લાનિંગ કરો. જો તમને અડધી રાતે કશુંક ખાવાનું મન થતું હોય, તો દહીં, બિસ્કીટ, મમરા, મખાણા વગેરે જેવા વિકલ્પો પસંદ કરવાનો પ્રયત્ન કરો અને પુષ્કળ માત્રામાં પાણી પીવાનું રાખો. જંક ફૂડ, મસાલેદાર, તેલથી તરબતર અને પ્રોસેસ્ડ ફૂડને મર્યાદિત માત્રામાં આરોગવાનો કે તેનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. ભોજન લેવા માટેનો યોગ્ય સમય નક્કી કરીને તેને વળગી રહો. રાતનું ભોજન મોડા લઇને પછી તરત જ સૂઇ જવાનું ન રાખો. ભોજનની માત્રા પર નિયંત્રણ રાખવું પણ એટલું જ અગત્યનું છે. તંદુરસ્ત રહેવા માટે અઢળક ફળો અને શાકભાજીનું સેવન કરો.
ઘરમાં ચાલવાનું અવશ્ય રાખો
જો તમે ઘરેથી કામ કરતા હોવ અને તમારે કામના સમય દરમિયાન ફોન પર વાત કરવાની રહેતી હોય, તો તેમ કરતી વખતે ઘરમાં ચાલવાનો ઉપાય અજમાવી જુઓ. આ ઉપાય તમારા માટે સારો છે, ખરૂં ને? રોજ એક ટાર્ગેટ (લક્ષ્ય) નક્કી કરો અને તમે તે પૂરો કરી શકો છો કે નહીં, તે જુઓ. નાનાં લક્ષ્યો નક્કી કરવાં. વર્તમાન સ્થિતિ જોતા ઘરે રહીને કસરત કરવી જરૂરી છે. આ ઉપરાંત તમે ઘરમાં રહીને એરોબિક્સ, વેઈટ ટ્રેનિંગ કે ઝૂમ્બા જેવી અન્ય પ્રવૃત્તિઓ પણ કરી શકો છો. સાધારણ માત્રામાં ભોજન આરોગો, આહારમાં ઊંચી કેલેરી ધરાવતા તળેલા ખાદ્ય પદાર્થો અને મીઠાઇનું પ્રમાણ ઘટાડી દો. યાદ રાખો, તમારું રસોડું વેઇટ લોસ સેન્ટર છે અને ઘરનો સંતુલિત આહાર એ સર્વશ્રેષ્ઠ આહાર છે.