નવી દિલ્હી: કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે ગુરુવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકાર હાઈકોર્ટમાં ન્યાયાધીશોની 112 ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયામાં છે. ઉપલા ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં, તેમણે કહ્યું હતું કે ઉચ્ચ ન્યાયતંત્રમાં ન્યાયાધીશોની નિમણૂક એક સહયોગી અને સંકલિત પ્રક્રિયા છે જેમાં કારોબારી અને ન્યાયતંત્રનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ માટે વિવિધ બંધારણીય સત્તાવાળાઓ પાસેથી પરામર્શ અને મંજૂરીની જરૂર છે.
મેઘવાલે જણાવ્યું હતું કે ઉચ્ચ અદાલતોમાં ન્યાયાધીશોની કુલ મંજૂર સંખ્યા 1,114 છે, જેમાંથી 790 જગ્યાઓ ભરેલી છે જ્યારે 234 જગ્યાઓ ખાલી છે. તેમણે કહ્યું કે હાઈકોર્ટ કોલેજિયમે 292 નામોની ભલામણ કરી છે, જેમાંથી 110ની નિમણૂક કરવામાં આવી છે જ્યારે 112 પ્રક્રિયામાં છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની મંજૂર સંખ્યા 34 છે અને હાલમાં તમામ જગ્યાઓ ભરેલી છે.
કાયદા મંત્રીએ કહ્યું કે યુપીએ શાસન દરમિયાન હાઈકોર્ટમાં જજોની મંજૂર સંખ્યા 906 હતી અને સુપ્રીમ કોર્ટમાં જજોની મંજૂર સંખ્યા 31 હતી. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે સુપ્રીમ કોર્ટ તેમજ હાઈકોર્ટ માટે ન્યાયાધીશોની મંજૂર સંખ્યામાં વધારો કર્યો છે અને ખાલી જગ્યાઓ ઝડપથી ભરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.