ન્યૂઝ ડેસ્કઃ દ્રષ્ટિ માટે ફાયદાકારક એવા ગાજર સ્વાદીષ્ટ જ નહી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ સારા છે. શિયાળાના આ સ્વાદીષ્ટ ગાજરમાંથી હલવો બની શકે છે. આ ઉપરાંત રોટલી સાથે તેને ખાઈ શકાય છે. તેના અથાણા, કેક કે પુડીંગમાં પણ તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત તેનુ જ્યુસ અને સલાડ પણ બની શકે છે. શું તમે જાણો છો કે આ તમામ રેસીપીમાંથી સ્વાસ્થ્ય માટે સૌથી સારી રેસીપી કઈ છે ? ગાજર ખુબ જ પૌષ્ટિક હોવાથી કેટલીક એવી રીતોની ચર્ચા કરીએ જેનાથી તમે તેના પૌષ્ટિક તત્વોનો લાભ મેળવી શકો છો. પરંતુ તેના પહેલા ગાજરમાંથી મળતા પોષક તત્વોની ચર્ચા કરીએ.
ગાજરમાંથી મળતા પોષક તત્વો
ગાજરમાં બીટા-કેરોટિન, ફાઇબર, એન્ટી-ઓક્સિડન્ટ, વીટામીન એ, વીટામીન સી, વીટામીન કે, પેન્ટોથેનિક એસીડ, ફોલેટ, પોટેશીયમ, આર્યન, કોપર, ફોસ્ફરસ, પોટેશીયમ, મેગ્નેશિયમ, આયોડિન અને સોડિયમથી ભરપુર હોય છે. આ બધા તત્વો સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે અને આપણા શરીરના વિવિધ અવયવોને કાર્ય કરવામાં ગતિ પુરી પાડે છે.
ગાજરના હલવાના ફાયદા
ગાજરનો હલવો ખુબ જ સ્વાદિષ્ટ વાનગી છે અને ખાસ કરીને શિયાળા દરમીયાન દરેક ભારતીય ઘરમાં આ વાનગી બને છે. તેના ગળ્યા સ્વાદની સાથે તે શરીરને પોષકતત્વો પણ પુરા પાડે છે. કેટલાક સંશોધનોમાં જાણવા મળ્યુ છે કે ગાજરને રાંધ્યા પછી ગાજરમાં રહેલા ફેનોલિક એસીડ અને બીટા કેરોટીનમાં વધારો થાય છે. બીજી બાજુ જો ગાજરને દુધ અને ઘી સાથે રાંધવામાં આવે તો તેમાં રહેલી ફેટ અને ‘કેરોટીનોઇડ્સ’ નામના તત્વમાં પણ વધારો થાય છે. આ રીતે હલવામાંથી શરીરને અનેક પોષક તત્વો મળે છે અને માટે હલવાને પૌષ્ટિક આહાર માનવામાં આવે છે.
ગાજરના જ્યુસના ફાયદા
ગાજરનું જ્યુસ પીવાથી આપણા શરીરમાં હિમોગ્લોબીનની માત્રા વધે છે અને તે પેટની ચરબી ઘટાડવામાં પણ ફાયદકારક હોય છે. ગાજરમાં ફાયબરનું પ્રમાણ વધુ હોવાથી તે શરીરની ચયાપચયની ક્રીયાને પણ મજબૂત બનાવે છે. આ ઉપરાંત ગાજરમાં બીટા-કેરોટીન વધારે હોવાથી તે તનાવ દુર કરવા માટે પણ ફાયદાકારક છે. ગાજરમાં રહેલા વીટામીન એ માત્ર આંખ માટે જ ફાયદાકારક નથી પરંતુ દરરોજ એક ગ્લાસ ગાજરનું જ્યુસ પીવાથી ત્વચાની ચમકમાં પણ વધારો થાય છે. ગાજરમાં જોવા મળતુ કેરોટીનોઇડ તત્વ હ્રદયના દર્દી માટે સારૂ ગણાય છે અને દરરોજ ગાજરનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ પણ કાબુમાં રહે છે.
ગાજરના મુરબ્બાના ફાયદા
આયુર્વેદીક અને યુનાની પદ્ધતિમાં ગાજરના મુરબ્બાને દવા તરીકે ગણવામાં આવ્યો છે. આયુર્વેદમાં તેને એવો ખોરાક ગણવામાં આવ્યો છે જે નબળાઈ અને શરીરનો થાક દુર કરે છે અને માનસીક તનાવમાંથી મુક્તિ અપાવે છે. અહીં કેટલાક વધુ ફાયદાઓ પણ આપવામાં આવ્યા છે.
ગાજર ખાવાથી કેન્સર થવાની શક્યતા નહીવત રહે છે કારણ કે તેમાં કેટલાક એન્ટી-કેન્સર તત્વો આવેલા છે જેથી ગાજર કેન્સરના સેલનો નાશ કરે છે.
ગાજરમાં કેરોટીનોઇડ્સ ભરપુર માત્રામાં જોવા મળે છે માટે તે હ્રદય રોગની શક્યતા ઘટાડે છે. ગાજરમાંથી આલ્ફા કેરોટીન, બીટા કેરોટીન અને લ્યુટીન મળી રહે છે.
ગાજરના સેવનથી વૃધ્ધત્વની પ્રક્રિયા ધીમી થાય છે અને ચામડી પર ડાઘ થવાથી પણ રોકે છે. ગાજરમાં ઉચ્ચ માત્રામાં રહેલું બીટા કેરોટીન ચયાપચાય દ્વારા શરીરને થતા સેલ્યુલર ડેમેજ સામે એન્ટી-ઓક્સિડન્ટનું કામ કરે છે.
આંખ માટે પણ ગાજર સારા માનવામાં આવે છે. આયુર્વેદ અને યુનાની દવા પદ્ધતિમાં ગાજરના મુરબ્બાને દ્રષ્ટિ સુધારવા માટે ફાયદાકારક માનવામાં આવ્યો છે. ગાજરમાં રહેલુ બીટા-કેરોટીન જ્યારે યકૃત સુધી પહોંચે ત્યાં સુધીમાં વીટામીન એમાં પરીવર્તીત થાય છે. આગળ એ જ વીટામીન એ હોડોસ્પીનમાં પરીવર્તીત થાય છે જે રાત્રી દરમીયાનના વિઝન માટે મહત્વનું છે. ગાજર ખાવાથી મોતિયાથી પણ બચી શકાય છે.
ગાજરનો મુરબ્બો ખાવાથી દાંતનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. ગાજરનો મુરબ્બો લાળ સાથે મળીને એક એસીડ બનાવે છે જે કેવીટીની અંદર થતા બેક્ટેરીયાને સંતુલીત કરે છે.
ગાજરનું ફેસપેક
ગાજર ખાવાથી જ નહી પરંતુ તેના શરીર પરના ઉપયોગથી પણ ફાયદો થાય છે. ગાજરમાંથી બનેલા ફેસપેકથી ચામડી ચોખ્ખી, ચમકવાળી અને સુંદર બને છે. વ્યક્તિની ત્વચા પ્રમાણે ગાજરમાં પપૈયા, ઈંડા, ક્રીમ, દુધનો પાવડર કે તજ ઉમેંરીને ફેસપેક બનાવીને તેનો ઉપયોગ કરી શકાય છે.