ચેન્નાઈઃ જિલ્લાના સિરુસેરી વિસ્તારમાં જ્યાં ઘણી સોફ્ટવેર કંપનીઓ આવેલી છે, ત્યાં શનિવારે એક મહિલાનો રડવાનો અવાજ સંભળાયો હતો. લોકોએ તપાસ કરી તો જાણવા મળ્યું કે, મહિલાના હાથ-પગ સાંકળોથી બાંધેલા હતા અને કોઈએ તેને સળગાવી દીધી હતી. તેને જોઈને લોકો ડરી ગયા હતા. કોઈ રીતે લોકોએ આગ ઓલવી અને તેને હોસ્પિટલ લઈ ગયા હતા.
સારવાર મળે તે પહેલા મોત થયું : થાલમપુર પોલીસે આપેલી માહિતી મુજબ, દાઝી ગયેલી હાલતમાં બચાવેલી મહિલાનું હોસ્પિટલ પહોંચતા જ મોત થઈ ગયું હતું. મહિલાની ઓળખ તેના મોબાઈલ ફોન પરથી મદુરાઈની નંદિની તરીકે થઈ હતી. મહિલા સાથે હોસ્પિટલમાં આવેલા વેત્રી મારન નામના વ્યક્તિ પર શંકાના કારણે પોલીસે તેની પૂછપરછ કરી હતી. વેત્રી મારન, જેમણે પોલીસના આરોપોને નકારી કાઢ્યા હતા અને નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો.
આરોપી સ્ત્રી માંથી પુરુષ બન્યો : મળતી માહિતી મુજબ, વેત્રી મારન મૂળ નંદિની સાથે એક જ વર્ગમાં ભણતી છોકરી હતી. જ્યારે તે નાની હતી, ત્યારે તેણીને તેના લિંગ તફાવતનો અહેસાસ થયો અને બાદમાં તેણીનું લિંગ બદલીને વેત્રી મારન નામ રાખ્યું. આ વાત તેના પરિવારના સભ્યોએ સ્વીકારી નહીં અને તેઓએ તેને ઘરની બહાર કાઢી મૂકી હતી. બીજી તરફ, નંદિનીના પરિવારે તેના પર વેત્રી મારન સાથે મિત્રતા ન કરવા દબાણ કર્યું હતું.
એક તરફી પ્રેમના કારણે હત્યા કરાઇ : આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને નંદિનીના પરિવારને ઘટનાની જાણ કરી અને તેણીના મૃત્યુની જાણકારી આપી હતી. વેત્રી મારન નંદિનીને એકતરફી પ્રેમ કરવા લાગ્યો અને તેને અન્ય કોઈ છોકરા સાથે વાત કરતા અટકાવવા લાગ્યો. આનાથી નારાજ થઈને નંદિનીએ તેનાથી અંતર જાળવવાનું શરૂ કર્યું હતું.
આવી રીતે ઘટનાને અંજામ આપ્યો : ગયા શનિવારે નંદિનીનો જન્મદિવસ હતો, તેથી વેત્રી મારને તેને મળવા બોલાવી હતી. મુલાકાત પછી બંને દિવસભર મંદિરો અને અનાથાશ્રમોમાં ફરતા રહ્યા. વેત્રી મારને પણ નંદિનીને બર્થડે સરપ્રાઈઝ આપવાની વાત કરી અને રાત્રે તેને એકાંત સ્થળે લઈ ગયો હતો. ત્યાં તેણે પહેલા નંદિનીની આંખ પર પટ્ટી બાંધી અને પછી તેના હાથ-પગ સાંકળથી બાંધી દીધા હતા.
પોલિસને તપાસ દરમિયાન સુરાગ મળ્યા : આ પછી તેણે નંદિનીના હાથ ચાકુથી કાપી નાખ્યા અને પછી તેના પર પેટ્રોલ રેડીને તેને આગ લગાવી દીધી હતી. આગ જોઈને લોકો ત્યાં એકઠા થવા લાગ્યા, ત્યારબાદ આરોપી મારને તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે નંદિનીની હત્યાની યોજના ઘડનાર વેત્રી મારનની બેગમાં એક ચેન, એક છરી અને પેટ્રોલની બોટલ હતી.