નાગપુરઃ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને ગયા વર્ષે બેંગાલુરૂ જેલમાંથી ખંડણી માંગતી ધમકી મળી હતી. પોલીસે સત્વરે કાર્યવાહી હાથ ધરીને આરોપી જયેશ પૂજારીની ધરપકડ કરી લીધી હતી. અત્યારે જયેશ નાગપુર જેલમાં બંધ છે. શુક્રવારે જયેશે નાગપુર જેલમાં લોખંડના બે તાર ગળવાની હરકત કરી હતી.
જયેશની કરાઈ સોનોગ્રાફીઃ જેલ અધિકારીઓને ખબર પડતા જ તરત જયેશને હોસ્પિટલ ભેગો કરાયો હતો. હોસ્પિટલે જયેશની સોનોગ્રાફી કરી હતી. જેમાં જયેશે ગળેલા તાર કદમાં નાના હોવાથી જયેશને વધુ નુકસાન પહોંચ્યું નથી. ડૉકટરોએ જયેશની તબિયત સ્થિર હોવાનું જણાવ્યું છે. પોલીસ જયેશના કૃત્યની સઘન તપાસ કરી રહી છે. જયેશે સાચે જ આત્મહત્યાની કોશિષ કરી હતી કે તે બીજી જેલમાં ટ્રાન્સફર થવા માટે નાટક કરી રહ્યો છે તેની તપાસ પોલીસ કરી રહી છે.
જેલ ટ્રાન્સફરની અરજીઃ નીતિન ગડકરીને ખંડણી માંગતી ઘટનામાં જયેશ પૂજારી માસ્ટર માઈન્ડ છે. નાગપુર શહેર પોલીસે જયેશને બેંગાલુરૂની જેલમાંથી ધરપકડ કરી હતી. જયેશ પૂજારીને નાગપુર સેન્ટ્રલ જેલમાં કેદ કરવામાં આવ્યો હતો. જયેશ વિરૂદ્ધ કર્ણાટકમાં બે ગુના નોંધાયેલા છે. જયેશને નાગપુર જેલમાં રહેવું નથી તેથી તેણે કોર્ટમાં બેંગાલુરૂ જેલમાં ટ્રાન્સફર થવા માટે અરજી પણ કરી હતી. પોલીસનું અનુમાન છે કે બેંગાલુરૂ જેલમાં ટ્રાન્સફર થવા માટે જયેશે લોખંડના તાર ગળી લીધા છે.
ખંડણી કેસઃ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને નાગપુરની ઓફિસ પર ખંડણી માંગતી ધમકી મળી હતી. આ ધમકી ફોન પર આપવામાં આવી હતી. આરોપીઓએ 10 કરોડની ખંડણી માંગી હતી. પોલીસે તપાસમાં બેંગાલુરૂની એક છોકરીના મોબાઈલ પરથી કોલ આવ્યો હોવાનું માલૂમ પડ્યું હતું. જો કે ફોનમાં અવાજ છોકરીનો નહતો. પોલીસે વધુ તપાસ કરતા જયેશ પૂજારીનું કનેકશન સામે આવ્યું હતું. નાગપુર પોલીસે જયેશ પૂજારી ઉર્ફે શાકિર પર યુએપીએ અંતર્ગત કેસ દાખલ કર્યો હતો.