લખનઉ: કોરોના સંક્રમણની સાંકળ તોડવા માટે વધુમાં વધુ કોરોના ટેસ્ટ થવા જોઇએ તેમ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે બેઠકમાં જણાવ્યું હતું. તેમણે આ બેઠકમાં રાજ્યમાં અનલૉક-2ની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી હતી અને અધિકારીઓને દરરોજ 40 હજાર જેટલા કોરોના ટેસ્ટ કરવાના આદેશ આપ્યા હતા.
RTPCR વડે 30 હજાર અને રેપિડ એન્ટીજન ટેસ્ટ કીટ વડે 10 હજાર ટેસ્ટ કરવામાં આવે તો આ લક્ષ્યાંક મેળવી શકાશે. આ ઉપરાંત મુખ્યપ્રધાન યોગીએ બેઠકમાં જણાવ્યું હતું કે મહામારીના સમયમાં દરેક તબક્કે સાવચેતી રાખવાની જરુર છે. સતર્ક રહેવાથી કોરોના સંક્રમણથી બચી શકાય છે. કાનપુર, ઝાંસી તથા વારાણસીમાં વિશેષ તકેદારી રાખવાની જરુર છે. જે જિલ્લામાં સંક્રમણ વધુ હોય તે જિલ્લામાં આરોગ્ય સુવિધાઓ વધારવાની તેમણે સૂચના આપી હતી.
કોરોનાથી બચવા અંગે જાહેર કરાયેલી સરકારી ગાઇડલાઇન્સ મુજબ લોકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા, બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અંગે બેનરો, પોસ્ટર, પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા જાગૃત કરવામાં આવે.
મેડિકલ ટીમ, પોલીસ જવાનો વગેરેને પણ સંક્રમણથી બચાવવા સાવચેતીના પગલાં ભરવામાં આવે તેમ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે બેઠકમાં જણાવ્યું હતું. આ બેઠકમાં સ્વાસ્થ્ય પ્રધાન જય પ્રતાપ સિંહ, મુખ્ય સચિવ આર કે તિવારી, સ્વાસ્થ્ય શિક્ષણપ્રધાન સુરેશ ખન્ના સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.