- લાલચોકમાં યુવાનોને ત્રિરંગો ફરકાવવાથી રોકવામાં આવતા સવાલ
- શિવસેનાએ પોતાના સમાચાર પત્ર સામનામાં ઊઠાવ્યા સવાલ
- કાશ્મીરની સ્થિતિ હજી એવીને એવી જ છેઃ શિવસેના
મુંબઈઃ શિવસેનાએ શ્રીનગરના લાલચોકમાં યુવાઓને ત્રિરંગો ફરકાવવાથી રોકવા મામલે સવાલ ઊઠ્યા છે. પાર્ટીએ પોતાના મુખપત્ર સામનામાં કહ્યું, કલમ- 370 નાબૂદ થઈ ગયા પછી પણ પોલીસે યુવાઓને ત્રિરંગો ફરકાવવા કેમ ન દીધો? આ રાષ્ટ્રદ્રોહ સમાન છે. અભિનેત્રી કંગના રણૌતનું નામ લીધા વગર કહેવામાં આવ્યું, નકલી મર્દાની જેણે મુંબઈને પીઓકે કહ્યું હતું તેને કેન્દ્ર સુરક્ષા આપી રહી છે, પરંતુ જે યુવક ત્રિરંગો ફરકાવી રહ્યા હતા તેઓને પોલીસ પકડી તેની સાથે લઈ ગઈ. દેશ એ જાણવા માગે છે કે, લાલચોક પર ત્રિરંગો કેમ ના ફરકાવી શકીએ ? આનો અર્થ એ છે કે કાશ્મીરની સ્થિતિ હજી સુધરી નથી.
જમ્મુ-કાશ્મીરમાં બેરોજગાર યુવાનો ફરી ઊઠાવી રહ્યા છે હથિયાર
સામના સમાચારપત્રના એડિટોરિયલમાં લખ્યું હતું કે, મુંબઈમાં ત્રિરંગો ફરકાવવામાં આવે છે. આનો મતલબ આ પાકિસ્તાન નથી. ત્રિરંગાનું અપમાન ત્યાં જ થાય છે જ્યાં પાકિસ્તાનનો હસ્તક્ષેપ છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારૂખ અબ્દુલ્લાએ કલમ- 370ને ફરી લાગુ કરવા માટે ચીનની મદદ લઈશું તેવી વાત કરી હતી. જ્યારે મહેબૂબા મુફ્તીએ ત્રિરંગો નહીં ઉઠાવવાની વાત કરી હતી, જે દેશદ્રોહ છે. શિવસેનાએ દાવો કર્યો છે કે, કલમ- 370ના પ્રાવધાનો રદ કરાયા બાદ એક વર્ષ સુધી કાશ્મીરમાં એક પણ રૂપિયાનું રોકાણ નથી કરવામાં આવ્યું અને બેરોજગાર યુવક ફરી હથિયાર ઊઠાવી રહ્યા છે. જ્યારે સ્થાનિક નેતાઓ યુવાનોને ભ્રમિત કરી રહ્યા છે.
દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવેઃ સંજય રાઉત
શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું, અમારી પાર્ટી કહી ચૂકી છે કે, દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ હોવી જોઈએ. જો કેન્દ્ર સરકાર આવો કોઈ પ્રસ્તાવ લાવે છે તો તેમની પાર્ટી કેન્દ્ર સરકારનું સમર્થન કરશે. આ સાથે રાઉતે વધુમાં કહ્યું, કેન્દ્ર સરકારે પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી, નેશનલ કોન્ફરન્સ નેતા ફારૂખ અબ્દુલ્લા સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. જો મહેબૂબા અને ફારૂખ ચીનની મદદથી કલમ-370 લાગુ કરવાની વાત કરતા હોય તો કેન્દ્ર સરકારે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ.