લખનઉ: ઉત્તરપ્રદેશ સરકારે ગેંગસ્ટર વિકાસ દુબેના થયેલા એન્કાઉન્ટર અંગે સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે પોતાનો જવાબ આપ્યો છે. રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, હિસ્ટ્રીશીટર વિકાસ દુબે અને તેના સાથીઓનું એન્કાઉન્ટર સાચું હતું. આ કેસમાં આગામી સુનાવણી 20મી જુલાઈએ હાથ ધરવામાં આવશે. ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. સરકારે કહ્યું કે, વાસ્તવિક તથ્યો બતાવે છે કે, તેને બનાવટી એન્કાઉન્ટર કહી શકાય નહીં.
સરકારે સર્વોચ્ચ અદાલતને જાણ કરી કે, સરકારે આ કેસમાં સમગ્ર માર્ગદર્શિકાઓનું પાલન કર્યું છે. પરંતુ મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે, દુબેએ સરેંડર કર્યું નહતું. તેની ઓળખ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં થઈ હતી અને બાદમાં તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. કાનપુર એન્કાઉન્ટરને લઈને સુપ્રીમ કોર્ટના એડવોકેટ અનુપ પ્રકાશ અવસ્થીએ સુપ્રીમ કોર્ટમાં પીઆઇએલ દાખલ કરી હતી. હવે રાજ્ય સરકારના જવાબ પછી તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશ સરકારે તેમના કોઇ પણ સવાલનો જવાબ આપ્યો નથી. તેમનું કહેવું છે કે, સરકારે કરેલા દાવા નવા નથી. તમામ પ્રેસ કોન્ફરન્સની વાતો પુનરાવર્તિત થાય છે. સરકારનો જવાબ એ મૂળભૂત પ્રશ્નોના જવાબ નથી. તમામ પુરાવા નાબૂદ કરવા અંગે પોલીસ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
સોગંદનામામાં રાજ્ય સરકારે વધુમાં જણાવ્યું છે કે, કોઈ સ્થાનિક વ્યક્તિએ દાવો કર્યો નથી કે તેણે ગોળીનો અવાજ સાંભળ્યો છે. અકસ્માત સ્થળ નજીક કોઈ વસાહતો અથવા મકાનો નહોતા. ભારે વરસાદને કારણે ત્યાં કોઈ રાહદારી ન હતો. ભારે વરસાદનો વીડિયો પણ રેકોર્ડ કરાયો છે. યુપી સરકારે વધુમાં કહ્યું કે, પોલીસે 6 ગોળીઓ ચલાવી હતી. જેમાંથી 3 ગેંગસ્ટર વિકાસને લાગી હતી. તે ગેંગસ્ટર અને પોલીસ વચ્ચે સામ-સામેની લડત હતી, જેમાં પોલીસે આત્મરક્ષણમાં ગોળી ચલાવી હતી.
સોગંદનામા મુજબ આરોપીએ STFની ટીમ પર 9 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ચેતવણી મળ્યા પછી પણ દુબેએ શરણાગતિ સ્વીકારી નહીં અને પોલીસ ટીમ પર ફાયરિંગ ચાલુ રાખ્યું. આ પછી પોલીસે આત્મરક્ષામાં ફાયરિંગ કર્યું હતું, જેમાં વિકાસ દુબેને 3 ગોળીઓ વાગી હતી.
આ સોગંદનામું એન્કાઉન્ટરની તપાસ માટે વિકાસ દુબે અને તેના સાથીઓએ કરેલી અરજીઓના જવાબમાં આપવામાં આવ્યું છે. તમામ અરજદારો કહે છે કે, આ એક મોટા ષડયંત્ર હેઠળ નકલી એન્કાઉન્ટર હતું.