મધુબની, બિહારઃ બિહારનું એક દંપતિ મિથિલા પેઈન્ટિંગ બનાવીને લોકોને કોરોના વાઈરસ અંગે જાગૃત કરી રહ્યું છે. છેલ્લા 10 વર્ષથી તેઓ પેઈન્ટિંગ કરે છે અને તેમને અનેક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ભારત સરકાર અને બિહાર સરકાર કોરોના વાઈરસથી બચવા માટે લોકોને જુદી-જુદી રીતે જાગૃત કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. તો બીજી બાજુ માસ્ક પર મિથિલા પેઇન્ટિંગ કરીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. મધુબનીની ઓળખ મિથિલા પેઇન્ટિંગથી થાય છે. મિથિલા પેઇન્ટિંગથી જ મધુબનીએ આખી દુનિયામાં એક અલગ ઓળખ ઉભી કરી છે.
જિલ્લાના જીતવારપુર ગામે મિથિલા પેઇન્ટિંગની એક અલગ ઓળખ છે. જીતવારપુરના સ્ટેટ એવોર્ડથી સન્માનિત હેમંત કુમાર મિશ્રા, તેમની પત્ની ઉષા મિશ્રા માસ્ક પર પેઇન્ટિંગ બનાવીને લોકોને કોરોના વાઈરસથી વાકેફ કરી રહ્યાં છે. આ દંપતી માસ્ક પર મિથિલા પેઇન્ટિંગ બનાવીને જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કુદરતી રંગોથી વિવિધ થીમ પર માછલી, મોર, પક્ષી વગેરે બનાવીને તેઓ લોકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરી રહ્યાં છે.
કારીગરોની સાથે મળીને 300થી વધુ મિથિલા પેઇન્ટિંગ્સને માસ્ક પર સજાવવામાં આવી છે અને લોકોને માસ્ક વહેંચવામાં આવ્યા છે. તમામ કચેરીઓમાં અધિકારીઓને આ માસ્ક વહેંચવામાં આવ્યા છે. દરેક માસ્ક પર અલગ પેઇન્ટિંગ્સ અને સ્લોગન લખવામાં આવ્યા છે. હેમંત મિશ્રાએ માસ્ક પર પેઇન્ટિંગ બનાવવાનું કલાકારો સાથે કામ કર્યું છે. હેમંત મિશ્રાએ જણાવ્યું હતું કે, 10થી વધુ દેશોમાં મિથિલા પેઇન્ટિંગનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. તેમને રાજ્ય પુરસ્કાર સહિત એક ડઝન ઇનામો આપવામાં આવ્યા છે. હેમંત મિશ્રાની પત્ની ઉષા મિશ્રા મૈથિલી ગીત દ્વારા કોરોનામાં જાગૃતિ લાવવા માટે કામ કરી રહી છે. આ ઉપરાંત તેમના માતા-પિતાને રાજ્ય સરકાર દ્વારા રાજ્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના પરિવારના તમામ સભ્યો મિથિલા પેઇન્ટિંગ કલાકારો છે.