લખનઉ: ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની નિવૃતી એટલે કે, 17 નવેમ્બર પહેલા દેશના સૌથી પ્રખ્યાત અયોધ્યા ભૂમિ વિવાદ પર ચૂકાદો આવનારો છે. 6 ઓગસ્ટથી 16 ઓક્ટોબર 2019 સુધી કુલ 40 દિવસની સુનાવણી બાદ ચીફ જસ્ટિસની આગેવાની વાળી બેન્ચે ચૂકાદો મુલતવી રાખ્યો હતો.
અયોધ્યા ભૂમિ વિવાદ:
આ કેસમાં ચૂકાદો આગામી 7 દિવસમાં સંભવત: 15 નવેમ્બર સુધીમાં આવી જશે. દેશ 1949થી અયોધ્યા ભૂમિ વિવાદમાં કાયદાકીય જંગના પરિણામની રાહ જોઈ રહ્યું છે. 70 વર્ષના કાયદાકીય સંઘર્ષના આવનારા પરિણામથી સમગ્ર દેશની દશા અને દિશા નક્કી કરશે.
જો કે, હાલમાં પરિસ્થિતીને કાબૂમાં રાખવા માટે કેન્દ્ર અને યુપી સરકાર તનતોડ મહેનત કરી રહી છે.અયોધ્યામાં સુરક્ષાના જવાનોએ નાકાંબધી કરી રાખી છે. શહેરમાં 22 જગ્યા એવી છે, જ્યાં રેપિડ એક્શન ફોર્સના જવાનો તૈનાત છે. તો વળી 16 જગ્યા પર એટીએસના કમાંડો ફરજ પર છે. અયોધ્યામાં તમામ મુખ્ય જગ્યાઓ જેવી કે, શ્રીરામજન્મભૂમિ વિસ્તારની નજીકમાં આવેલા રામ કોટ વિસ્તાર, હનુમાનગઢી ચોરો, મકબરા રોડ, રીકાબગંજ અને લક્ષ્મણ કિલા રોડ પર ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવામાં આવી રહી છે.
અસામાજિક ત્તત્વોને કાબૂમાં રાખવા માટે આઝમગઢ અને આંબેડકર નગરમાં કામચલાઉ જેલ પણ બનાવવામાં આવી છે. આ કેસ સાથે જોડાયેલા તમામ લોકોને સદ્ભાવ જાળવવા અપીલ કરાઈ છે. શાંતિ કમિટીઓના માધ્યમથી સમગ્ર ઉત્તર પ્રદેશમાં તમામ ધર્મના નેતાઓ કોર્ટના નિર્ણયને સહર્ષ સ્વિકારવાની વાત કરી રહ્યા છે. અયોધ્યા ભૂમિ વિવાદના પક્ષકારોમાં નિર્મોહી અખાડા, હિન્દુ મહાસભા, રામજન્મભૂમિ ન્યાસ સહિત મુસ્લિમ પક્ષે પણ કોર્ટના નિર્ણયને માનવાની જાહેરાત કરી છે.
સબરીમાલા મંદિર:
ચીફ જસ્ટિસની નિવૃતિ પહેલા સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈને પણ ચૂકાદો આવવાનો છે. સબરીમાલા વિવાદમાં કેરલ સરકાર અને ભાજપના વલણને જોતા મલયાલી હિન્દુની પ્રતિક્રિયા સમગ્ર ભારતને એલર્ટ પર રાખી શકે છે. 800 વર્ષ જૂના આ મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈ વિવાદ ચાલુ છે. હિન્દુ સંગઠનોના વિરોધ વચ્ચે કેરલ સરકારે 2 જાન્યુઆરીએ બે મહિલાઓને પ્રવેશ અપાવ્યો હતો. 2 જાન્યુઆરી સવારે લગભગ 3.45 કલાકે મહિલાઓએ સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન કર્યા હતા. ત્યાર બાદ મંદિરના દરવાજા બંધ કરી દીધા હતા. તેના પક્ષમાં તર્ક આપવામાં આવ્યો કે, મંદિરને શુદ્ધ કરવામાં આવી રહ્યું છે. બાદમાં 12 વાગ્યાની આસપાસ કપાટ ખોલી નાખવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના ચૂકાદા સાથે સહમતી નહીં રાખવાવાળી સંસ્થાઓ અને લોકો તરફથી ફેરવિચારણા માટે 60 અરજી દાખલ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીવાળી ખંડપીઠે સુનાવણી બાદ ચૂકાદો મુલતવી રાખ્યો હતો.
રાફેલ અને આરટીઆઈ કેસ:
સુપ્રીમ કોર્ટના આ ચૂકાદાઓ મોદી સરકાર અને તેમના વહિવટી નિર્ણયને પણ પારખશે. આ બંને કેસમાં કોર્ટનું વલણ ભારતની રાજનીતિમાં વિપક્ષની તાકાતને પણ નવા રંગરુપ સાથે સંભાળવાની અથવા વિખેરાવાનો મોકો આપશે.