છત્તીસગઢ: રાયપુરના ડી બી ડિઝાઈનર સ્ટુડિયોની સંચાલિકા ડોલી બડવાનીએ જણાવ્યું હતું કે લોકડાઉન બાદ કપડાંની માગમાં ઘટાડો થતાં સ્ટુડિયોમાં કામ કરતા લોકોને કામ આપવું જરૂરી હતું જેથી મને ડિઝાઈનર માસ્ક બનાવવાનો વિચાર આવ્યો.
દેશમાં કોરોના મહામારી હજુ સુધી કાબૂમાં આવી શકી નથી. આથી લોકોને માસ્કની જરૂરિયાત રહેવાની જ છે. પરંતુ કેટલાક એવા લોકો પણ છે કે જેઓ માસ્કના દેખાવને જોઇને તે પહેરતા નથી. એવામાં જો તેના રંગરૂપમાં ફેરફાર કરી તેને ડિઝાઈનર ટચ આપવામાં આવે તો લોકો તેને વધુને વધુ પહેરવા પ્રોત્સાહિત થશે.
સરકાર દ્વારા લગ્ન સમારંભોમાં 50 લોકોને હાજર રહેવાની અનુમતિ આપવામાં આવી છે તેવામાં વર-કન્યાના લગ્નના પોશાકને અનુરૂપ માસ્ક લોકો સિવડાવી રહ્યા છે.
ઉપરાંત, સ્ત્રીઓ માટે ફ્લાવર પ્રિન્ટ, સ્ટોન અને એમ્બ્રોઈડરી વર્ક વાળા, પુરૂષો માટે પ્રિંટેડ ડીઝાઇન તેમજ બાળકો માટે ફંકી કાર્ટૂન કેરેક્ટર, બટરફ્લાય જેવી પેટર્નમાં માસ્ક બનાવવામાં આવી રહ્યા છે.
લોકડાઉનના સમયમાં જ્યારે લોકોનું ઘરથી બહાર નીકળવાનું બંધ હતું ત્યારે રોજ કામ કરીને કમાવવાવાળા લોકો માટે કામ વગર બેસી રહેવું અઘરું હતું. હવે જ્યારે સરકારે થોડીક છૂટછાટો આપી છે. ત્યારે માસ્ક બનાવવા એ કેટલાય લોકો માટે કમાણીની એક તક છે જેના દ્વારા તેમના ઘર ચાલી શકે છે.
છત્તીસગઢ મેડિકલ કાઉન્સિલ ના સભ્ય ડૉ. રાકેશ ગુપ્તાના જણાવ્યા મુજબ, “સામાજિક અંતર જાળવવું તેમજ માસ્ક પહેરીને બહાર નીકળવાનું હવે સામાન્ય થઈ ગયું છે ત્યારે ડિઝાઈનર માસ્ક બજારમાં આવતા અનેક લોકોને રોજગારની તક મળી છે. જે દેશની અર્થવ્યવસ્થા સુધારવામાં પણ ભાગ ભજવી શકે છે.”