સંસદ ભવનમાં શનિવારે કોંગ્રેસના 52 નવા ચૂંટાયેલા સાંસદોની બેઠકમાં સોનિયા ગાંધીને બીજી વખત પાર્ટીના સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા એ 12 કરોડ મતદારોનો કોંગ્રેસ પર ભરોસો મૂકવા બદલ આભાર માન્યો હતો.
આ સમયે રાહુલ ગાંધીએ કહ્યું કે, દરેક કોંગ્રેસ સભ્ય સંવિધાન અને ભેદભાવ વગર ભારતના બંધારણ માટે લડી રહ્યાં છે. બેઠકમાં નવી સરકાર બન્યા બાદ 17 જૂનથી શરૂ થઈ રહેલા સંસદીય સત્રના મુદ્દા પર પણ ચર્ચા થવાની છે.
પાછલા અઠવાડિએ CWCની બેઠક મળી હતી. CWCની બેઠકમાં રાહુલે પોતાના અધ્યક્ષ પદના રાજીનામાનો પ્રસ્તાવ મુક્યો હતો, પરંતુ પાર્ટી સદસ્યોએ આ પ્રસ્તાવ ફગાવ્યો હતો. વિપક્ષનો દરજ્જો મેળવવા માટે 55 સાંસદ હોવા જરુરી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ફક્ત 44 સાંસદ જીતી શક્યા હતા. 2019માં પણ કોંગ્રેસ ભાજપ સામે હારી ગઇ છે. આ ચૂંટણીમાં ભાજપે પોતાના દમ પર 303 સીટ મેળવી છે જે ઇતિહાસમાં સૌથી વધારે છે.
એક તરફ રાહુલ ગાંધી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની વાત પર અડગા રહ્યા છે તો કોંગ્રેસી નેતાઓ તેમનું રાજીનામું સ્વીકારી નથી રહ્યા. કેટલાક પ્રદેશ અધ્યક્ષોના રાજીનામા પર પણ અત્યાર સુધી કોઇ નિર્ણય લેવામાં નથી આવ્યો. પરંતુ એકવાર ફરીથી કોંગ્રેસની સંસદીય દળના નેતા તરીકે સોનિયા ગાંધીને ચૂંટવામાં આવ્યા છે.