ન્યૂઝ ડેસ્ક : ઇન્દોરની નહેરૂ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં અને એમજીએમ મેડિકલ કોલેજમાં ન્યુટ્રિશનીસ્ટ ડૉ. સંગીતા માલુના કહેવા પ્રમાણે આપણી ખોરાક લેવાની રીત, જેમ કે આપણે શું ખાઈએ છીએ, કેવી રીતે ખાઈએ છીએ અને ખોરાક લેતી વખતે આપણું તેમાં કેટલું ધ્યાન હોય છે તેની ખુબ મોટી અસર ન માત્ર આપણી પાચનક્રીયા પર પરંતુ આપણા સ્વાસ્થ્ય પર પણ પડે છે.
જો તમે ઉભા રહીને ખોરાક લો છો તો તમારી પાચનક્રિયામાં અવરોધ ઉભો થાય છે.
ડૉ. સંગીતા જણાવે છે કે આપણે ઉભા રહીને ખોરાક લઈએ તેના કરતા બેસીને ખોરાક લઈએ તો આપણા શરીરને તે વધુ અનુકુળ રહે છે અને તેનાથી આપણુ શરીર અને મગજ શાંતિ અનુભવે છે. તેથી, જો આપણે બેસીને ખોરાક લઈએ તો ખોરાક આપણી પાચનની તમામ પ્રક્રિયામાંથી પસાર થાય છે અને ખોરાકને સારી રીતે પચવામાં મદદરૂપ થાય છે. બેસીને જમવાથી પાચનની પ્રક્રિયામાં વધુ બોજ પણ પડતો નથી.
તો બીજી તરફ જો આપણે ઉભા રહીને ખોરાક લઈએ તો પૃથ્વીમાં રહેલા ગુરૂત્વાકર્ષણ બળના કારણે ખુબ જ ઝડપથી ખોરાક પાચનક્રિયામાંથી પસાર થાય છે તેના કારણે કાં તો ખોરાક બરાબર પચતો નથી અથવા તે આપણી પાચનક્રિયા પર બોજ ઉભો કરે છે. આમ કરવાથી આપણા પાચનતંત્ર પર નકારાત્મક અસર પહોંચે છે અને તે આપણા શરીરને જરૂરી પોષકતત્વોથી વંચીત રાખે છે. આમ થવાથી કેટલાક રોગ થવાની પણ શક્યતા રહે છે.
ખોરાક લેતી વખતે બેસવાની યોગ્ય રીત
ડૉ. સંગીતા જણાવે છે કે હાલના સમયમાં મોટાભાગના લોકો ડાયનીંગ ટેબલ પર બેસીને જમવાનું પસંદ કરે છે જે ઉભા રહીને ખોરાક લેવાથી તો ઘણુ સારૂ જ છે. પરંતુ ખોરાકને બરાબર પચાવવા માટે અને આપણે જે ખાઈએ છીએ તેમાંથી પુરતા પ્રમાણમાં પોષકતત્વો મેળવવા માટે સુખાસન કે પદ્માસનમાં બેસવુ જોઈએ. આ સ્થીતિમાં બેસવાથી આપણી પાચનક્રીયા પર ગુરૂત્વાકર્ષણ બળની અસર પણ થતી નથી.
જમીન પર બેસીને જમવાના ફાયદા
- તે આપણા હ્રદયને સ્વસ્થ રાખે છે.
જમીન પર બેસીને ખોરાક લેવાથી શરીરમાં લોહીનો પ્રવાહ વધે છે અને આપણું હ્રદય સારી રીતે કામ કરવા માટે સક્ષમ બને છે.
- માંસપેશીઓના ખેંચાણને લીધે પાચનક્રિયામાં સુધારો થાય છે.
સુખાસન કે પદ્માસનમાં બેસીને ખોરાક લેવાથી આપણે કુદરતી રીતે જ ખોરાક લેવા માટે આગળ જુકીએ છીએ અને ફરીથી ખોરાક ચાવવા માટે આપણી મુળ સ્થીતિમાં આવીએ છીએ. આ રીતે આગળ નમીને ફરી એક વાર પાછડ જવાથી આપણા પેટના સ્નાયુ સક્રીય બને છે અને ખેંચાય છે જેના કારણે આપણી પાચનશક્તિ સારી રીતે કામ કરી શકે છે અને તે સ્વસ્થ પણ રહે છે.
સાંધાના સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે. પદ્માસન અને સુખાસન માત્ર પાચનક્રીયામાં જ મદદ કરે છે તેવું નથી પરંતુ તે આપણા સાંધાને પણ સ્થીતિસ્થાપક રાખવામાં મદદ કરે છે. સાંધાની સ્થીતિસ્થાપકતા સાંધાના હલનચલનમાં મદદ કરે છે અને તેનાથી જમીન પર કોઈ પણ પ્રકારની મુશ્કેલી વીના બેસવામાં સરળતા રહે છે. આ ઉપરાંત તેનાથી વ્યક્તિને સંધિવા તેમજ ઓસ્ટીયોપોરોસીસ જેવા રોગથી પણ દુર રાખે છે.
- વજન નિયંત્રણમાં રહે છે.
સુખાસન કે પદ્માસનમાં બેસવાથી નર્વસ પર સકારાત્મક અસર પહોંચે છે અને તેનાથી મગજને શાંતી મળે છે માટે જ ધ્યાનમાં બેસતી વખતે લોકો આ સ્થીતિને શ્રેષ્ઠ માને છે. આ સ્થીતિમાં બેસવાથી ખોરાક યોગ્ય રીતે પચી જાય છે માટે વ્યક્તિ જરૂરથી વધુ ખાઈ શકતો નથી જેનાથી તેનુ વજન માપમાં રહે છે.
- કરોડરજ્જૂની સમસ્યાથી બચાવે છે.
આ રીતે પરંપરાગત રીતે બેસીને ખોરાક લેવાથી કરોડરજ્જૂ અને પીઠના દુખાવાની સમસ્યાથી વ્યક્તિને દુર રાખે છે. જે લોકો ખોટી મુદ્રામાં બેસવાને કારણે કોઈ પ્રકારની પીડાથી પરેશાન હોય તેઓ પણ આ મુદ્રામાં બેસીને ખોરાક લેવાથી તેમની સમસ્યાને દુર કરી શકે છે.