જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરાયાના ચાર દિવસ પછી શુક્રવારે પ્રશાસને લોકોને થોડી રાહત આપી છે. ઘણા વિસ્તારોમાં પ્રશાસને શાળાને ચાલુ કરવાના આદેશ આપ્યા છે. આ સિવાય સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી બજાર ખોલવાના પણ આદેશ આપી દેવાયા છે. આ ઉપરાંત શુક્રવારની નમાજ માટે પણ લોકોને રાહત આપવામાં આવી છે. તેમને સ્થાનિક મસ્જિદોમાં જવાની મંજૂરી આપવામાં આવી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અધિકારીઓને આદેશ આપ્યા છે કે કોઈ પણ કાશ્મીરને મુશ્કેલી ન પડે.
તંત્રના જણાવ્યા પ્રમાણે, સંવેદનશીલ વિસ્તારોમાં હાલ પણ કડક સુરક્ષા વ્યવસ્થા છે. સાથે જ કલમ 144 લાગુ છે, પરંતુ ઘણી જગ્યાઓ પર આમા છૂટ આપવામાં આવી છે
જમ્મુના કઠુઆ અને સાંબામાં શુક્રવારે શાળાઓ ચાલુ થઈ ગઈ છે. તેમ છતાં પણ જમ્મુના રીઝનમાં આઠ જિલ્લામાં હજૂ પણ શાળાઓ બંધ છે. ઉપરાંત ઉધમપુર, જમ્મુ, સાંબા તથા કઠુઆમાં તો આજે દુકાનો પણ શરૂ થઈ ગઈ છે.
અહીં જણાવેલા જિલ્લામાં હાલ સ્થિતી સામાન્ય થઈ રહી છે. વાહનવ્યવહાર પણ શરૂ થઈ ગયો છે. સરકારી તથા ખાનગી વાહનો પણ રસ્તા પર જોવા મળી રહ્યા છે.જો કે, મોબાઈલ તથા ઈન્ટરનેટ સેવા હજૂ પણ બંધ છે.
ઈદના તહેવાર પૂર્વેનો આ છેલ્લો શુક્રવાર છે. જેને લઈ પ્રશાસને ખાસ વ્યવસ્થા ગોઠવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પ્રકારની કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તંત્રના જણાવ્યા અનુસાર જેમ-જેમ સ્થિતી સુધરતી જશે તેમ-તેમ બાકીના જિલ્લામાં પણ પ્રતિબંધ હટાવી દેવામાં આવશે.
ઓફિસ ઓફ ડિપ્ટી કમિશ્નર ઓફ જમ્મૂએ જાહેર કર્યું છે કે, જિલ્લનાની નગરપાલિકા વિસ્તારની કલમ 144ને હટાવવામાં આવી છે. જેથી 10 ઓગસ્ટથી શાળા અને કોલોજો શરૂ કરી શકાશે.