નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે માસ્ક અને સેનિટાઇઝરને જરૂરી ચીજવસ્તુઓની યાદીમાંથી દૂર કરવા અને તેમના પર 18 ટકા જીએસટી લાદવાના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ ડી.એન. પટેલની અધ્યક્ષતાવાળી ખંડપીઠે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કર્યા પછી કહ્યું કે, આ અરજી સુનાવણીને યોગ્ય નથી.
આ અરજી સામાજિક કાર્યકર્તા ગૌરવ યાદવ અને વકીલ આરતી સિંહે કરી હતી. અરજીમાં નાણા મંત્રાલય અને જીએસટી કાઉન્સિલ દ્વારા માંગ કરવામાં આવી છે કે, આલ્કોહોલ આધારિત સેનિટાઇઝરો પરના જીએસટી દરને 18 ટકાથી ઘટાડીને 5 અથવા 12 ટકા કરવામાં આવે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે, કેન્દ્ર સરકારની 13 માર્ચ અને 30 જૂનની નોટિફિકેશન પુનઃસ્થાપિત કરવામાં આવે, જેમાં માસ્ક અને સેનિટાઈઝરને આવશ્યક ચીજોની સૂચિમાં સમાવવામાં આવેલા છે. અરજીમાં માસ્ક અને સેનિટાઈઝર્સની કિંમત 8, 10, 16 અને 100 રૂપિયા નક્કી કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વાઈરસ ચેપ પછી, વિશ્વભરના આરોગ્ય સંભાળ વ્યવસાયિકો દ્વારા હાથ ધોવા અને ચહેરા પર માસ્ક લગાવવાની સૂચનાઓ જારી કરવામાં આવી હતી. વિશ્વ આરોગ્ય સંગઠને આ રોગને વૈશ્વિક રોગચાળો જાહેર કર્યો છે. આ રોગને રોકવા માટે દરેકને માસ્ક અને સેનિટાઇઝરની જરૂર હોય છે.
પિટિશનમાં એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટની કલમ 2 એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકાર લોકોને જે જરૂરી માને છે, તે જરૂરી ચીજવસ્તુઓની શ્રેણીમાં મૂકે છે. કેન્દ્ર સરકાર આવશ્યક ચીજવસ્તુઓના સપ્લાયને નિયંત્રિત કરે છે, જેથી તેમની કોઈ અછત ન રહે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 30 જુલાઇ સુધીમાં ભારતમાં 35,747 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે કોરોનાના 5,45,318 સક્રિય કેસ છે. જ્યારે કેસમાં સતત વધારો થતો હોવાથી ત્યારે જરૂરી કેટેગરીમાંથી માસ્ક અને સેનિટાઈઝરને દૂર કરવું ખોટું છે.