શ્રીનગર: સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે, રવિવારે સવારે લગભગ 6.45 કલાકે પાકિસ્તાને પૂંચ જિલ્લાના માનકોટ સેક્ટરમાં LOC પર ગોળીબાર કરી યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. આ કાર્યવાહીમાં નાના હથિયારો અને મોર્ટારનો ઉપયોગ કર્યો હતો. જેનો ભારતીય સેનાના જવાનોએ પણ સામે જવાબ આપ્યો હતો.

આ પહેલા પણ 7મી ઓગસ્ટે પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં આવેલી ચેક પોસ્ટ પર હુમલો કર્યો હતો, તો છઠી ઑગસ્ટે માનઢેર સેક્ટર પાસે નાના હથિયારો વડે ગોળીબાર કર્યો હતો. તેમજ પૂંચમાં 5 ઑગસ્ટે પણ ગોળીબાર કરી યુદ્ધવિરામ ભંગ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતથી લઇને અત્યાર સુધીમાં પાકિસ્તાને 2,720 વાર યુદ્ધવિરામ ભંગ કર્યો છે. જેમાં 21 નાગરિકોના મોત થયા છે, જ્યારે 94 નાગરિકો ઇજાગ્રસ્ત થયા છે.