હરિયાણામાં નાયબ મુખ્યપ્રધાન પદ માટેની દોડધામ પૂર્ણ થઈ ગઈ છે. હવે જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ના અધ્યક્ષ દુષ્યંત ચૌટાલા ડેપ્યુટી સીએમ બનશે. સરકારનો શપથ ગ્રહણ સમારોહ રવિવારે બપોરે 2.15 કલાકે થશે અને મનોહર લાલ ખટ્ટર મુખ્યપ્રધાન પદના શપથ લેશે. તેઓ બીજી વખત હરિયાણાના મુખ્યપ્રધાન બનવા જઈ રહ્યા છે
રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય સાથે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યા બાદ ખટ્ટરે કહ્યું કે, "રવિવારે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનની શપથ નિશ્ચિત છે અને મંત્રીમંડળના અન્ય સભ્યોને રવિવારે જાણ કરવામાં આવશે."
ભાજપ અને જેજેપી વચ્ચે નિર્ધારિત ફોર્મ્યુલામાં જેજેપીને ડેપ્યુટી સીએમ પદ આપવામાં આવ્યું હતું. પરંતુ, પહેલા સૂત્રોના જણાવ્યાં અનુસાર દુષ્યંત પોતે કોઈ પદ નહીં લે અને તેમની માતા નયના ચૌટાલાને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. પરંતુ, તે અટકળોનો અંત આવતા હાલ દુષ્યંત નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે.
દુષ્યંત ચૌટાલાએ પણ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પર પ્રતિક્રિયા આપી હતી. ભૂપેન્દ્રસિંહ હૂડાનું નામ લીધા વિના તેમના પર હુમલો કરતાં તેમણે કહ્યું કે, 'શું અમે કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી હતી? કોંગ્રેસ એ પાર્ટી છે જે દેવીલાલે 70ના દાયકામાં છોડી હતી.
ભાજપ-જેજેપી વચ્ચે ગઠબંધન
આપને જણાવી દઈએ કે શુક્રવારે ભાજપ અને જેજેપી વચ્ચે ગઠબંધન થયું હતું. ચૂંટણી પરિણામોમાં 40 પર અટકેલી ભાજપને દસ ધારાસભ્યોની સાથે જેજેપીનો ટેકો મળ્યો અને આ સાથે બહુમતીનો આંકડો પણ વટાવી ગઈ હતી. જો કે, ગુરુવારે ભાજપને છ અપક્ષ અને હરિયાણા લોકહિત પાર્ટીના ગોપાલ કાંડાના સમર્થનની ખાતરી મળી હતી.
મોડીરાત્રે દુષ્યંત ચૌટાલા સાથે તેમના નિવાસ સ્થાને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં બંને પક્ષો વચ્ચે કરારની જાહેરાત ભાજપ અધ્યક્ષ અમિત શાહે કરી હતી. દુષ્યંત અને મનોહર લાલ સાથે, ભાજપ કારોબારી અધ્યક્ષ જેપી નડ્ડા, પક્ષના હરિયાણા પ્રભારી અનિલ જૈન અને કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર પણ હાજર રહ્યા હતાં.
રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યો
આ દરમિયાન ભાજપ જેજેપી સાથેના કરાર બાદ હવે ભાજપે સરકાર બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. ચંદીગઢમાં કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં ભાજપના ધારાસભ્ય પક્ષની બેઠક મળી. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ, મનોહર લાલ ખટ્ટર અને દુષ્યંત ચૌટાલાએ રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને મળ્યા અને સરકાર રચવાનો દાવો કર્યો.
બે નાયબ મુખ્યપ્રધાનોની અટકળો રદ કરાઈ
તેવી ચર્ચા પણ સાંભળવા મળી હતી કે હરિયાણામાં બે ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે. પરંતુ, આ અટકળો પણ અટકી ગઈ છે. કેન્દ્રીય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે મીડિયાને કહ્યું કે આવા કોઈ વિચારની ચર્ચા કરવામાં આવી નથી.