નાગરિકતા સુધારા અધિનિયમ(CAA)નો ઉગ્ર વિરોધ કરી રહેલી કોંગ્રેસ પર નડ્ડાએ સીધા પ્રહારો કર્યા હતા. ભાજપના કાર્યકારી પ્રમુખ જે. પી. નડ્ડાએ રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો હતો કે, આ કાયદાની જોગવાઈઓ વિશે માત્ર 10 વાક્યો બોલી બતાવો.
CAAના સમર્થનમાં મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભાજપ દ્વારા આયોજિત 'આભાર સંમેલન'માં નડ્ડાએ કહ્યું હતું કે, હું રાહુલને CAAની જોગવાઈઓ પર માત્ર 10 વાક્યો બોલવાનું કહું છું. તેમને દેશને નુકસાન થાય તેનું કારણ બનેલી માત્ર બે જોગવાઈઓ કાયદામાંથી શોધી બતાવે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે, જે લોકો CAAના વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરવા માટે આવ્યા છે.
CAA વિશેની મૂળભૂત બાબતોની પણ ખબર નથી. દેશમાં છેલ્લા એક અઠવાડિયાથી CAA વિરૂદ્ધ થઈ રહેલા હિંસક વિરોધ પ્રદર્શનમાં જાહેર સંપત્તિને ભારે નુકસાન થયું છે, પરંતુ શું રાહુલે આ નુકસાનની નિંદા કરતું કોઈ નિવેદન આપ્યું છે? કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ભલે વિચારધારાની લડત હોઈ શકે છે. તમારી (રાહુલની) મર્યાદિત બુદ્ધિને કારણે, કોઈ વિષય વિશેના તમારા મંતવ્યો અમારાથી અલગ હોઈ શકે છે, પરંતુ હિંસા પર તમે એક પણ શબ્દ ન બોલો તે કેટલું યોગ્ય છે?
નડ્ડાએ આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસ CAAના કાયદા અંગે જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. વોટબેંકને દેશની ઉપર રાખીને હિંસાની આગમાં ધી હોમી રાજકારણના રોટલા શેકી રહી છે. કોગ્રેસ એક ચોક્કસ વર્ગના લોકોને ઉશ્કેરી રહી છે.
પાડોશી દેશોના હિન્દુ અને શીખ શરણાર્થીઓએ હાજરી આપેલા એક કાર્યક્રમમાં નડ્ડાએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પર પ્રહારોનો મારો ચાલુ રાખતા કહ્યું હતું કે, રાજકીય જીવનમાં રાહુલે ધર્મના આધારે પાકિસ્તાન અને બાંગ્લાદેશથી ભારત આવેલા શરણાર્થીઓને મળવાનો કોઈ પ્રયત્ન કર્યો છે?
નડ્ડાએ દાવો કર્યો હતો કે, દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરૂ અને કોંગ્રેસની આગેવાની હેઠળની UPA સરકારના વડા પ્રધાન મનમોહન સિંહે પણ જાહેરમાં આ વિચારને સમર્થન આપતા કહ્યું હતું કે, ધાર્મિક અત્યાચારના કારણે પાકિસ્તાનથી ભારત આવતા લોકોને ભારતીય નાગરિકતા અપાવી જોઈએ.