નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે આરોપ લગાવ્યો કે 2,426 કંપનીઓએ લોકોના બચતના 1.47 લાખ કરોડ રૂપિયા બેન્કો પાસેથી લૂંટી લીધા. તે જ સમયે, તેમણે સવાલ કર્યો કે શું સરકાર ગુનેગારોને સજા કરવા માટે તપાસ કરશે?
વિગતો આપ્યા વગર રાહુલ ગાંધીએ ટ્વિટર પર કહ્યું, "2,426 કંપનીઓએ લોકોને બચતના 1.47 લાખ કરોડ રુપિયા બેન્કો પાસેથી લૂંટી લીધા છે. શું આ સરકાર આ લૂંટની તપાસ કરશે અને દોષીઓને સજા કરશે?"
તેમણે કહ્યું, " કે પછી તેમને પણ નીરવ અને લલિત મોદીની જેમ ફરાર થવા દેશે?"
રાહુલ ગાંધીનો હુમલો તે મીડિયા રિપોર્ટ બાદ સામે આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 'ઑલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ યુનિયન (એઆઈબીઇએ) એ 2426 એવા ખાતાઓનું લીસ્ટ બહાર પાડ્યું છે, જે જાણી જોઇને લોન ન ચૂકવવાની શ્રેણીમાં છે, અને તેમાં બેન્કોના 1,47,350 કરોડ રુપિયા બાકી છે.