નવી દિલ્હી: લોકોને કોરોના વાઈરસના સંક્રમણથી બચાવવા માટે કેન્દ્ર સરકારે દેશમાં 21 દિવસનો લોકડાઉન અમલમાં મૂક્યો છે. લોકડાઉનમાં સમાજનો એક વર્ગ એવો પણ છે જેમાં લોકો ભૂખના કારણે ભોજન માટે વલખા મારે છે.
4 દિવસથી ભૂખ્યા છે લોકો...
દક્ષિણ દિલ્હીના છતરપુરના ફતેહપુર બેરીના ચંદન હોલા વિસ્તારના કામદારોએ છેલ્લા 4 દિવસથી કંઇ ખાધુ ન હતું. તેઓ કહે છે કે, તે બધા રોજનું રોજ કમાતા અને તેમના પરિવારનું ભરણપોષણ કરતા હતા. લોકડાઉન દરમિયાન જે પૈસા બચ્યા હતા જેનાથી 1, 2 દિવસ કોઈક રીતે પસાર થઈ ગયા પરંતુ હવે તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે.
આ લોકો પાસે રેશનકાર્ડ પણ નથી. આ લોકો યુપી અને બિહારથી આવતા હતા અને રોજે રોજનું કમાઈ બાળકોનું ભરણપોષણ કરતા હતા. પરંતુ દિલ્હીમાં જનતા કરર્ફયુ પછી હવે તેઓ તેમના વતન પણ નહિ જઈ શકે અને કોઈ કામ પણ કરી શકશે નહીં.