2030 સુધીમાં વિશ્વમાં સર્વ સમાવેશક પ્રગતિ થાય તેવું લક્ષ્ય છે, પણ તેની સામે અવરોધ ઊભો કરી રહેલી અસમાનતા પર હ્મુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ (માનવ વિકાસ સૂચકાંક) સંસ્થા ધ્યાન આપી રહી છે.
હ્મુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના ડિરેક્ટરે ગયા માર્ચમાં જ સ્પષ્ટતા કરી હતી કે સામાજિક, આર્થિક અને પર્યાવરણીય પરિવર્તનને કારણે દુનિયાભરમાં અસમાનતા ઊભી થઈ રહી છે. આ અસમાનતાને સમજી લેવામાં આવે તો જ તેની સામે અસરકારક નીતિઓ ઘડી શકાય તેમ છે.
શિક્ષણ, આરોગ્ય, આઈટી અને આર્થિક બાબતોને સમજી લઈને આર્થિક અને પર્યાવરણીય અસમાનતા કેવી રીતે નાથી શકાય તેનો અભ્યાસ કરીને માનવ વિકાસની સ્થિતિને નવી દૃષ્ટિથી જોવાની જાહેરાત પણ ડિરેક્ટરે કરી હતી.
તે સંદર્ભમાં હાલમાં જ પ્રગટ થયેલા તાજા અહેવાલમાં એ પરિબળો સ્પષ્ટ બન્યા છે, જેના કારણે ભારત દાયકાઓથી મધ્યમ અને નિમ્ન આવક ધરાવતા રાષ્ટ્ર તરીકે પાછું પડતું આવ્યું છે.
આગલા વર્ષ કરતાં સ્થિતિમાં સુધારા સાથે માનવ વિકાસ સૂચકાંકમાં 189 દેશોમાં ભારત 129મા સ્થાને આવ્યો છે. આયુષ્ય, શિક્ષણ અને માથાદીઠ આવકની બાબતમાં નોર્વે, સ્વિત્ઝર્લેન્ડ અને આયર્લેન્ડ પ્રથમ, દ્વિતિય અને તૃતિય સ્થાને આવ્યા છે.
ભારતના પડોશી દેશોમાંથી શ્રીલંકા (71) અને ચીન (85) સ્થિતિમાં સુધારો કરી શક્યા છે, જ્યારે ભૂતાન (134), બાંગ્લાદેશ (135), નેપાળ (147) અને પાકિસ્તાન (152) જેવા દેશોમાં સ્થિતિ બગડી છે.
દક્ષિણ એશિયા 1990થી 2018 સુધીમાં 46 ટકા પ્રગતિ કરી શક્યું છે, તેમાં ભારત સૌથી આગળ રહ્યું છે, પણ અસમાનતા અને નબળી કામગીરીને કારણે વિકાસના ધાર્યા પરિણામો મળ્યા નથી. આ બાબતને કેન્દ્ર અને રાજ્યની સરકારો અવગણી શકે નહિ.
આજે તાકિદની જરૂર છે સામાજિક ન્યાયની અને અસમાનતાની નાબુદીની. ગરીબી અને બેરોજગારી સામે લડત આપીને લોકોની આર્થિક સ્થિતિ સુધારવી એ જ લક્ષ્ય હોવું જોઈએ. પ્રથમ પંચવર્ષીય યોજના તૈયાર કરતી વખતે વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ આ માટે જ દિશાનિર્દેશ આપ્યો હતો.
આ દાયકાઓ દરમિયાન ભારતે 12 પંચવર્ષીય યોજનાઓ અને 14 ફાઇનાન્સ કમિશન્સ જોયા, પણ નીતિ નિર્ધારણ અને તેના માટે ફંડની ફાળવણીને કારણે અસામનતા ઊભી થઈ છે તે દેશની પ્રગતિને રોકી રહી છે.
2005 પછી ભારતમાં માથાદીઠ આવક વધી છે, જીડીપી બેવડાયો છે અને ગરીબોની સંખ્યા ઘટીને 27 કરોડની રહી છે. તેમ છતાં વિશ્વમાં 130 કરોડ ગરીબોમાંથી હજીય 28 ટકા ભારતમાં છે.
2000થી 2018 દરમિયાન દેશની આવક વૃદ્ધિની જે સરેરાશ હતી, તેની સરખામણીએ 40 ટકા ગરીબોની આવક ઓછી વધી હતી.
પેઢીઓથી કપરી સ્થિતિમાં રહેલા દેશના ગરીબોમાં આરોગ્યની સુવિધા ના અભાવે બાળમરણનું પ્રમાણ પણ વધુ હોય છે. શિક્ષણ અને બીજી તકો પણ તેમને મળતી નથી.
તેના કારણે ગરીબ નાબુદી માટે દાખલ કરાયેલી યોજનાઓ ધાર્યા પરિણામો લાવી શકી નથી. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ પછીય સારા પરિણામો આવ્યા નથી કે ગરીબોના જીવનમાં સુધારો થયો નથી.
આવી ઘણી યોજનાઓ છતાં ભારત જેવો વિકાસશીલ દેશ માત્ર ચાર ટકા ગરીબોને ગરીબી રેખાની બહાર લાવી શક્યો છે. એ સમય પાકી ગયો છે કે સરકારો માત્ર સૂત્રોના બદલે સર્વવ્યાપક ગરીબી નિવારણની યોજનાને અસરકારક બનાવવા પર ધ્યાન આપે.
સમસ્યા ખરેખર શું છે તે સમજ્યા વિના કરોડો રૂપિયા યોજનાઓ પાછળ ફાળવી દેવાનો કોઈ અર્થ નથી.
ગરીબોને ખરેખર કેવી સહાયની જરૂર છે તે જાણ્યા વિના સારા પરિણામો આવવાના નથી. નોબેલ પારિતોષિક મેળવનારા અભિજિત સેનના અભ્યાસોમાં પણ આ જ વાત બહાર આવી હતી.
સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રમાં સ્ત્રીઓ સાથે ભેદભાવ અંગેના એક અહેવાલમાં જણાવાયું છે કે 162 દેશોમાં ભારતનું સ્થાન 112મુ છે.
દક્ષિણ એશિયામાં 17.1 ટકા ધારાસભ્યો મહિલાઓ છે, જ્યારે ભારતમાં તેનું પ્રમાણ માત્ર 11.7 ટકા જ છે.
તે જ રીતે 39 ટકા કન્યાઓ જ માધ્યમિક કે ઉચ્ચતર શિક્ષણ લઈ રહી છે, જ્યારે કામદાર વર્ગમાં સ્ત્રીઓનું પ્રમાણ માત્ર 27.2 ટકા છે.
બીએમઆઈ ધોરણો પ્રમાણે વજન અને ઉંચાઈની બાબતમાં તથા કૂપોષણની બાબતમાં કન્યાઓ જ સૌથી પાછળ છે. પરંપરાગત સામાજિક ધોરણોના કારણે આ ભેદભાવો ઊભા થયા છે અને તેના કારણે માનવ વિકાસ સૂચકાંકમાં સુધારો થઈ રહ્યો નથી.
પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાની દિશામાં સુધારો થયો છે, પરંતુ ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તાનો હજીય અભાવ છે.
સરકાર અને સમાજ સાથે મળીને કામ કરે અને સૌને સમાન ન્યાયની બંધારણની ભાવના પ્રમાણે કામ કરવામાં આવે તો જ અસમાનતા વિનાનો સાચો વિકાસ શક્ય બને.