નવી દિલ્હીઃ ભારતીય સેના પોતાના જવાનો માટે અમેરિકા પાસેથી 72,000 સિગ સોર અસોલ્ટ રાઈફલની ખરીદવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે હાથ ધરી છે. ભૂમિ દળના આધુનિકીકરણ માટે આ હથિયાર ખરીદવામાં આવી રહ્યાં છે. અધિકારીઓએ રવિવારે આ બાબતે જાણકારી આપી હતી. પૂર્વ લદ્દાખમાં ભારત-ચીન સેના વચ્ચે સરહદ વિવાદ ચારી રહ્યો છે. જેથી તણાવપૂર્ણ માહોલની સ્થિતિ વચ્ચે આ ખરીદી કરવામાં આવી રહી છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, આ રાઈફલનો ઉપયોગ કરીને ચીનની સરહદ પર તહેનાત સેના જવાનો કરશે. સેનામાં મોટા સ્તરે ભૂમિ દળનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત જૂના અને પરંપરાગત હથિયારોની જગ્યા સેના જવાનો માટે હળવા મશીન ગન, લડાઇ માટેના કાર્બાઇન અને અસોલ્ટ રાઇફલની ખરીદી ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017ના ઑક્ટોબરમાં સેનાએ 7 લાખ રાઈફલ, 44,000 હળવા મશીન ગન અને આશરે 44,600 કાર્બાઇન ખરીદી પ્રક્રિયા શરૂ કરી હતી. ચીન અને પાકિસ્તાન સરહદ પર વધતા જતા તણાવગ્રસ્ત માહોલ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારત દ્વારા વિવિધ હથિયારોની ખરીદીના કામમાં ઝડપ વધારવામાં આવી છે.