ગાંધીજીએ વાત કરી તેને આજે દાયકા થઈ ગયા, તેમ છતાં આપણે એવી સંસ્થાઓ ઊભી નથી કરી શક્યા જ્યાં સશક્ત અને વગદાર લોકો સાથે પાછળ રહી ગયેલા, શોષિત રહી ગયેલા લોકો પણ ચર્ચા કરી શકે. શોષિત રહી ગયેલા લોકો અકળામણ ના અનુભવે અને મુખ્ત રીતે ચર્ચા કરી શકે તેવો માહોલ આપણે ઊભો કરી શક્યા નથી. આપણે હંમેશા તેમને ઉપદેશ આપતા રહીએ છીએ, ક્યારેય તેમની સાથે વાતચીત કરતા નથી. ખાસ કરીને શીમલાની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ સ્ટડીઝમાંથી ભણીને બહાર પડતા ભદ્રવર્ગીય અધિકારીઓ પોતાના મનમાં આવે તે જ વાતો કર્યા કરે છે.
છેલ્લા થોડા સમયથી દેશના જુદા જુદા શહેરોમાં ઇન્ટરનેશનલ સેન્ટર્સ તૈયાર થઈ રહ્યાં છે. નવી દિલ્હીમાં છે તેના ઈન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર જેવા આ કેન્દ્રો બન્યા છે. આમ સારી વાત છે, પણ આ બધા કેન્દ્રો મોકાની જગ્યાએ, બીજાથી અલગ થઈને એકાકી બબલની જેમ ઊભા થયા હોય તેવું લાગે છે. સ્મિથ સોનિયનની જેમ તેમાંથી કોઈ કેન્દ્ર પોતાના સારા કાર્યો માટે દાવો કરી શકે તેમ નથી. લોકોના હિતો માટે પોતે કેવી રીતે જનસામાન્ય સાથે જોડાતા રહે છે તેવો કોઈ દાવો આ કેન્દ્રો કરી શકે તેમ નથી.
આધુનિક અભ્યાસો કરી રહેલી આપણી સંસ્થાઓ મહત્ત્વના મુદ્દે યોગ્ય ચર્ચા થાય તે માટે નાગરિકોને સામેલ કરવાનું ચૂકી ગઈ છે. ક્લાયમેટ ચેન્જથી માંડીને આરોગ્ય સુધીના અને શિક્ષણથી માંડીને જીએમ બિયાર સુધીના પ્રશ્નોની સીધી અસર લોકો પર થાય છે, પણ તેમની સાથે ક્યારેય સંવાદ થતો નથી.
એવું કોણે નક્કી કર્યું કે, કોરાણે રહી ગયેલા લોકોને આવી કોઈ માહિતીની જરૂર નથી? વિદેશ નીતિ, સંરક્ષણ કે આર્થિક નીતિઓ વિશે સાચી વાત જાણવાની લોકોને જરૂર નથી એવું કોણ વિચારી રહ્યું છે? એ બહુ આઘાતજનક લાગે છે કે, ભદ્ર વર્ગ પોતાનામાં જ રચ્યોપચ્યો રહે છે અને સામાન્ય જનતાથી દૂર જ રહે છે.
ભારતની જનતાનો અવાજ, ખાસ કરીને તેના ગરીબોનો અવાજ તેમને ઉપદેશ આપ્યા વિના સાંભળવાની જરૂર છે. નીતિ ઘડવૈયા, વહિવટી અધિકારીઓ, બૌદ્ધિકોએ તેમને સમજવાની જરૂર છે. મહાત્મા ગાંધીએ સાબરમતી અને સેવાગ્રામ જેવા કેન્દ્રો ખોલીને સામુહિક જીવનના જે ઉદાહરણો આપ્યા હતા તેમાંથી પ્રેરણા લેવી છે. આવી રીતે જાહેર જીવનમાં પ્રદાન આપી શકાય તે રીતે સંસ્થાઓએ પોતાને નવેસરથી ઘડવાની જરૂર છે.
ભદ્ર વર્ગના લોકો આપસમાં જ ચર્ચા કરતા રહે છે તે તેમનો અહંકાર દાખવે છે. મહાત્મા ગાંધીએ 1927માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં કહ્યું હતું. તે પ્રમાણે “શેરીના સામાન્ય જન કરતાં મારી તમારી પાસેથી વધારે અપેક્ષા છે. તમે જે થોડું કામ કર્યું છે તેનાથી સંતોષ માનીને બેસી ના જશો. એવું ના વિચારશો કે આપણાથી થતું હતું તે કર્યું, હવે ચાલો ટેનિસ અને બિલિયર્ડ્સ રમીએ.’
ઉદય બાલકૃષ્ણન, લેખક બેંગાલુરુની IISમાં અધ્યાપક છે