નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે દિલ્હીમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં પગલા લેવામાં આવ્યા છે. આથી આ અંગે દિલ્હી સરકાર પર મોનિટરીંગની માગ કરતી અરજીઓ પર કાર્યવાહી કરવાનો અર્થ નથી.
હાઈકોર્ટે કહ્યુ કે દિલ્હીમાં દેશના પ્રથમ પ્લાઝમા બેંકની સ્થાપના થઇ છે. હોસ્પિટલોમાં બેડની સુવિધાઓને લઈને એપમાં રિયલ ટાઈમ ડેટા અપડેટ થાય છે. અનેક હોસ્પિટલોમાં નોડલ ઓફિસરની નિમણુક કરવામાં આવી છે તેમજ એમ્બ્યુલન્સની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે.
ગત 28 મે ના રોજ હાઈકોર્ટે આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. આ દિવસે દિલ્હીના અનેક અખબારોમાં સમાચાર છપાયા હતા કે દિલ્હીની જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં કોરોના દર્દીઓના મૃતદેહો એક ઉપર એક ઢગલાબંધ રાખવામાં આવ્યા છે. 108 જેટલા મૃતદેહોમાંથી 80 રેક પર રાખવામાં આવ્યા હતા જ્યારે 28 મૃતદેહો એક ઉપર એક રાખવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટના મૃતકના અધિકારોનું ઉલ્લંઘન હોવાનું જણાવી દિલ્હી હાઇકોર્ટે દિલ્હી સરકાર તથા નગર નિગમને નોટિસ ફટકારી જવાબ માંગ્યો હતો.