ન્યૂઝ ડેસ્કઃ સ્વતંત્રતા, સમાનતા અને સ્વશાસનના સિદ્ધાંતો પર રચાયેલી અમેરિકાની લોકશાહી દુનિયાની સૌથી જૂની લોકશાહી છે. આ વખતે અમેરિકાના લોકતંત્રની પ્રણાલીઓ સામે કેટલાક સંકટ ઊભા થયા હતા. નવેમ્બરમાં યોજાયેલી 46મા પ્રમુખ માટેની ચૂંટણીમાં જૉ બાઇડન 8 કરોડથી વધુ મતો સાથે જીતી ગયા હતા. આમ છતાં વ્હાઇટ હાઉસમાં તેમને પ્રવેશ મળશે કે કેમ તેનો સવાલ ઊભો થયો હતો.
મતગણતરી વખતે જ ડોનાલ્ડ ટ્રમ્પે સવાલો ઊઠાવ્યા અને અમુક રાજ્યોમાં પરિણામો સામે શંકા વ્યક્ત કરી હતી. મામલો અદાલત સુધી પહોંચ્યો હતો, પણ આખરે બાઇડન જ વિજેતા જાહેર થયા. પરંપરા પ્રમાણે ઇલેક્ટોરલ કૉલેજ મળીને અને તેમાં મતદાન બાદ જૉ બાઇડનને 306 મતો મળ્યા તે સાથે જ તેઓ અમેરિકાના સત્તાવાર પ્રમુખ બની ગયા છે.
પોતાના વિજયની જાહેરાત કરતાં બાઇડને ટ્વીટ કર્યું કે “અમેરિકામાં રાજકારણીઓ સત્તા નથી મેળવતા – જનતા તેમને સત્તા આપે છે. આ દેશમાં લોકશાહીની જ્યોત બહુ સમય પહેલાં જલાવવામાં આવી હતી, તે જ્યોતને રોગચાળો કે સત્તાના દુરુપયોગથી ડામી શકાય નહિ.”
તેમણે અમેરિકન નાગરિકોને વિભાજનવાદી સ્પર્ધાનું પ્રકરણ હવે પૂરું કરો તેવી અપીલ કરીને રાષ્ટ્રીય એકતા માટે આહ્વાન કર્યું. અમેરિકાનું પ્રમુખપદ સંભાળ્યા પછી બાઇડને પોતાની અગ્રતા જણાવતા કહ્યું કે કોવીડનો સામનો કરવો, ઝડપથી રસીકરણ કરવું અને ગરીબોને આર્થિક મદદ આપીને અર્થતંત્રને ફરી બેઠું કરવું તે પ્રાથમિકતા રહેશે.
ચૂંટણી પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે રંગભેદ અને વિભાજનના રાજકારણને ઉત્તેજન આપવા માટેની ભરપુર કોશિશ કરી હતી. તેઓ હારી ગયા, પણ તેમનેય સારા એવા મતો મળ્યા હતા તે આ વાત દર્શાવે છે. મારી પાસેથી વિજયને બાઇડને છીનવી લીધો છે એવા તેમના આક્ષેપને કારણે તેમના ટેકેદારોમાં ઉશ્કેરણી થઈ હતી અને વૉશિંગ્ટનમાં કાર્યકરો સામસામે આવી ગયા હતા.
પ્રમુખ તરીકે ટ્રમ્પે અશોભનીય વર્તન કર્યું અને ચૂંટણી અધિકારીઓ સામે શંકા વ્યક્ત કરી, પરંતુ ચૂંટણી અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું કે કોઈ ગેરરીતિ થઈ નહોતી. ટ્રમ્પે ન્યાયતંત્ર સામે પણ આંગળી ચીંધી હતી અને પોતાનું કહ્યું ના કરે તેવા અધિકારીઓને તેમણે હટાવી દીધા હતા. કોવીડ રોગચાળામાં વાઇરસ કરતાંય ટ્રમ્પનું વર્તન વધારે ખતરનાક સાબિત થયું હતું.
ટ્રમ્પની ટોળકીએ કોશિશ કરી હતી કે મિશિગનના 16 ઇલેક્ટોરલ વૉટ્સને પલટાવીને પોતાના માટે કરી લેવા, પરંતુ તેમાં ફાવી નહોતી. મિશિગનના વિધાનસભાના રિપબ્લિકન સ્પીકર લીએ ટ્રમ્પના કહેવા પ્રમાણે પરિણામો પલટાવી નાખવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું “ચૂંટણી પછી હવે ટ્રમ્પ માટે ઇલેક્ટૉરલ બદલી નાખીને આપણા ધોરણો, પરંપરા અને સંસ્થાઓને તોડવાનું હું કરી શકું નહિ.” આવું કરવામાં આવે તો દેશ તૂટી પડશે એવી ચિંતા સ્પીકરે વ્યક્ત કરી હતી. તેમના શબ્દો જ દર્શાવે છે કે ટ્રમ્પ કેટલી હદે નીચે જવા તૈયાર થઈ ગયા હતા.
ઇકોનોમિસ્ટ મેગેઝીને ચાર વર્ષ પહેલાં જ ટ્રમ્પ બીજી વાર ચૂંટાઈને આવે તો શું થાય તે માટે સર્વે કર્યો હતો, તેમાં તારણ નીકળ્યું હતું કે તેના કારણે વિશ્વ સામે મોટો ખતરો ઊભો થશે. ચાર વર્ષના પોતાના શાસન દરમિયાન ટ્રમ્પે પોતાની છાપ બદલાવી કોશિશ કરી નહોતી. તેમણે પ્રમુખપદ સંભાળ્યું ત્યારે જ કહ્યું હતું કે “આજથી જ એક નવા વીઝન સાથે શાસન ચાલશે. અમેરિકા ફર્સ્ટના ધોરણે જ કામકાજ ચાલશે.” જોકે તેમણે બધા જ લોકતાંત્રિક મૂલ્યોને નેવે મૂકી દીધા અને અગાઉ ક્યારેય જોવા ના મળ્યું હોય તેવું વર્તન પ્રમુખ તરીકે કર્યું. તેમના નિર્ણયોને કારણે રાષ્ટ્રોમાં અમેરિકાની છાપ ખરડાઇ. પારીસ એગ્રીમેન્ટ અને ઇરાન સાથેના અણુ કરાર ટ્રમ્પે વગર વિચાર્યે રદ કરી નાખ્યા અને તેના કારણે અમેરિકા પરનો ભરોસો તૂટ્યો. ટ્રાન્સ એટલાન્ટિક એલાયન્સમાંથી પણ નીકળી ગયા અને વિશ્વ આરોગ્ય સંસ્થામાંથી પણ નીકળી ગયા. ચીન સામે વેપાર યુદ્ધ કર્યું તેના કારણે પણ ઉહાપોહ થયો.
ચૂંટણી પછી ટ્રમ્પે સત્તા ના છોડવા માટે હવાતિયા માર્યા હતા. આખરે હાર સ્વીકાર્યા પછી હવે ટ્રમ્પ કહે છે કે પોતે 2024માં ફરીથી ચૂંટણી લડશે. બાઇડને પોતાના સાથી તરીકે અને વાઇસ પ્રેસિડન્ટના ઉમેદવાર તરીકે કમલા હૅરિસને પસંદ કર્યા હતા. તામિલનાડુના શ્યામલા ગોપાલનની આ દીકરીને કારણે અશ્વેત સહિતની લઘુમતીના મતો બાઇડન ટીમને મળ્યા. ટ્રમ્પના શાસનમાં બિનશ્વેત લોકો સામે ભેદભાવ અને અત્યાચારને કારણે વિભાજનની સ્થિતિ ઊભી થઈ હતી, તેની સામે હવે બાઇડન - હૅરિસ સરકારે મલમપટ્ટાનું કામ કરવાનું રહેશે. નવી સરકાર સામે પહેલો પડકાર અમેરિકાને ફરીથી એક કરવાનો છે.