સીતાપુર: મિશ્રિત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હરદોઈ બોર્ડર પરથી પોલીસે મોંઘીદાટ બે ફોરવ્હીલ ગાડીઓ સાથે 13 લોકોની અટકાયત કરી હતી. જેમાંથી 9 લોકો પાસે હથિયારનું લાઈસન્સ હતું. આ લોકોમાં બીએસપી નેતા અનુપમ દુબે પણ હતાં. અનુપમ હરદોઈની સવાઈપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી પણ લડી ચૂક્યા છે.
આ 13 લોકોમાં એક વ્યક્તિની અટક દુબે છે એ ખબર પડતાં જ પોલીસ સતર્ક થઈ ગઈ હતી. તમામને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતાં. જ્યાં ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતાં. પોલીસ સ્ટેશનમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવાયો હતો. અનુપમ દુબેની કોલ ડીટેઈલ મંગાવી ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરાઈ હતી. પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે અનુપમ દુબેની 12 કલાક સુધી કડક પૂછપરછ કરી હતી. બંને ગાડી કોના નામ પર છે તેની પણ તપાસ કરાઈ હતી.
તમામ પાસાઓને તપાસ્યા બાદ પોલીસને અનુપમ દુબેના તાર કોઈ પણ રીતે વિકાસ દુબે સાથે જોડાયેલા નથી તેની ખાતરી થઈ હતી. પોલીસે અનુપમ દુબેને જામીન પર છોડ્યા હતા.