ભારતની આર્થિક રાજધાની અને માયાનગરી કહેવાતા મુંબઈ શહેર માટે13 જુલાઈ 2011નો દિન કાળા દિવસ બની રહ્યો હતો. આ દિવસે એટલે કે આજથી 8 વર્ષ પહેલા મુંબઈમાં મોટો આંતકવાદી હુમલો થયો હતો. મુંબઈના ત્રણ વિસ્તારોમાં 10 મિનિટમાં ત્રણ બોમ્બ વિસ્ફોટ થયા હતા.
પ્રથમ વિસ્ફોટ દક્ષિણ મુંબઈના ઝવેરી બજાર વિસ્તારમાં 6:54 કલાકે થયો હતો. જ્યારે બીજો બ્લાસ્ટ ચાર્ની રોડ પર ઓપેરા હાઉસમાં બે મોટી ઈમારતોની બહાર થયો હતો. જેમાં આંતવાદીઓએ ટિફિન બૉક્સમાં બોમ્બ મુક્યો હતો. જે 6:55ને વિસ્ફોટ થયો હતો. અહીં આ વિસ્તારમાં હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા 5000થી વધુ કારીગરોને ટાર્ગેટ બનાવવા માટે બોમ્બ મુકાયો હતો.
જ્યારે ત્રીજો વિસ્ફોટ દાદર વિસ્તારમાં ડૉ. એન્ટોનિયા હાઈસ્કૂલ પાસે આવેલા બસમથકની નજીક ઈલેક્ટ્રીસીટીના થાંભલા પાસે મૂકાયો હતો, જે 07:06 કલાકે વિસ્ફોટ થયો હતો. આમ ઈન્ડિયન મુજાહિદ્દીન દ્વારા આયોજનપૂર્વક ત્રણ મોટા વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. આ વિસ્ફોટ થતાંની સાથે જ સંદેશાવ્યવહાર બંધ થઈ ગયો હતો.
આ ત્રણ બ્લાસ્ટમાં 26 લોકો મોતને ભેટ્યા હતા અને 130 લોકો ઈજાગ્રસ્ત થયાં હતા.
આ બોમ્બ વિસ્ફોટ આંતકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીને કર્યો હોવાનું સામે આવ્યું હતુ. આ સંગઠન મોટાભાગે 13 અને 26 તારીખે હુમલો કરતું હોવાથી અનુમાન લગાવાયું હતુ, જે પાછળથી સાચુ સાબિત થયુ હતુ.
આ આતંકવાદી હુમલાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો, માયાનગરી મુંબઈમાં થયેલા આ શ્રેણીબધ્ધ હુમલા બાદ આખોય દેશ સ્તબ્ધ હતો. તેમજ રાષ્ટ્રપતિથી અને વડાપ્રધાનથી માંડી તમામ ફિલ્મી સિતારા અને સામાન્ય લોકો શોકની લાગણીમાં ડુબી ગયા હતા. આ ઘટનાને પગલે ઈન્વેસ્ટીગેશન ટીમે બિહારના દરભંગા જિલ્લાના બે યુવકોની શંકાને આધારે ધરપકડ કરી હતી. તેમજ સમગ્ર ઘટનાને અંજામ આપવા માટે યાસિન ભટકલે આયોજન કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતુ. 4 ફેબ્રુઆરી 2014ના રોજ માસ્ટરમાઈન્ડ યાસિન ભટકલને મુંબઈ પોલીસે કસ્ટડીમાં લીધો હતો.
આ આંતકવાદી હુમલાને 8 વર્ષ વિતી ગયા છતાં હજીએ મુંબઈની ગલીઓમાં એ વિસ્ફોટના પડઘા પડી રહ્યાં છે અને હુમલામાં મૃત્યુ પામનારના પરિવારો પોતાના સંબંધીઓને યાદ કરી આજેય આસું વહાવી રહ્યાં છે.