હૈદરાબાદ: યુનિસેફ દ્વારા પ્રસિદ્ધ કરવાવમાં આવેલા એક નવા સંશોધન અનુસાર, કોવિડ-19ના કારણે બાળ સંભાળ અને પ્રારંભિક શિક્ષણની સુવિધાઓને તાળાં લાગી જતાં વિશ્વભરનાં ઓછામાં ઓછા 40 મિલિયન બાળકો તેમના મહત્વપૂર્ણ પ્રિ-સ્કૂલ વર્ષે પ્રારંભિક બાળ શિક્ષણથી વંચિત રહી ગયાં છે.
યુનિસેફની ઓફિસ ઓફ રિસર્ચ – ઇનોસન્ટી દ્વારા તૈયાર કરવામાં આવેલો સંશોધનનો આ અહેવાલ વિશ્વમાં પ્રારંભિક બાળ શિક્ષણ અને બાળ સંભાળની સ્થિતિ પર નજર નાંખે છે અને તેમાં કોવિડ-19ના વ્યાપક પ્રસારની આ સેવા બંધ થવા પર પડેલી અસરોના વિશ્લેષણનો સમાવેશ થાય છે.
“કોવિડ-19 મહામારીના કારણે શિક્ષણમાં વિક્ષેપ ઊભો થવાના કારણે બાળકો તેમના શિક્ષણના સંભવતઃ શ્રેષ્ઠ પ્રારંભથી વંચિત રહી ગયાં છે,” તેમ યુનિસેફના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હેન્રિએટ્ટા ફોરેએ જણાવ્યું હતું. “બાળ તકેદારી અને પ્રારંભિક બાળ શિક્ષણ એવા પાયાનું સર્જન કરે છે, જેના પર બાળકોના વિકાસના પ્રત્યેક પાસાંનો આધાર રહેલો હોય છે. વર્તમાન રોગચાળો તે પાયાને ગંભીર જોખમની સ્થિતિમાં મૂકી રહ્યો છે.”
વિશ્વિક સંકટમાં બાળ તકેદારી:
કોવિડ-19નો કાર્ય અને કૌટુંબિક જીવન ઉપર પ્રભાવઃ લોકડાઉનને કારણે ઘણાં માતા-પિતા બાળ તકેદારી અને રોજગારી વચ્ચે સંતુલન સાધવા સંઘર્ષ કરી રહ્યા છે. પુરુષોની તુલનામાં બાળ તકેદારી અને ઘરના કામ પાછળ ત્રણગણા કરતાં પણ વધુ સમય વીવતાવતી મહિલાઓ પર અસહ્ય ભારણ આવ્યું છે.
ઉપરાંત, લોકડાઉનને કારણે ખાસ કરીને નીચી અને મધ્યમ સ્તરની આવક ધરાવનારા દેશોમાં નાનાં બાળકો ધરાવતા પરિવારો ભારે મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. તે પૈકીના ઘણા પરિવારો અગાઉથી જ સામાજિક સુરક્ષા સેવાઓની પહોંચ મેળવવા અસમર્થ હતા. બાળકોને સુગ્રથિત સેવાઓ, સ્નેહ, રક્ષણ, ઉત્તેજન અને પોષણ પૂરું પાડવાની સાથે-સાથે તેમનાં સામાજિક, સાંવેદનિક અને જ્ઞાનાત્મક કૌશલ્યો વિકસાવવા માટે જરૂરી છે.
કોવિડ-19 મહામારી અગાઉ, ખર્ચાળ, નબળી ગુણવત્તા ધરાવતી અથવા તો અપ્રાપ્ય બાળ તકેદારી અને પ્રારંભિક બાળ શિક્ષણની સુવિધાઓને કારણે ઘણાં માતા-પિતાને તેમનાં નાનાં બાળકોને તેમના વિકાસના અત્યંત મહત્વના તબક્કે બિનસલામત અને ઉદાસીન પરિસ્થિતિમાં રાખવાની ફરજ પડી છે. વિશ્વમાં પાંચ વર્ષ કરતાં ઓછી વયનાં 35 મિલિયન કરતાં પણ વધારે બાળકો કેટલીક વખત પુખ્ત લોકોની દેખરેખથી વંચિત રહી જાય છે.
166 દેશોમાંથી અડધા કરતાં પણ ઓછા દેશો ઓછામાં ઓછા એક વર્ષના ટ્યૂશન-ફ્રી પ્રિ-પ્રાઇમરી કાર્યક્રમો પૂરા પાડે છે અને ઓછી આવક ધરાવતા દેશોમાં આ પ્રમાણ માત્ર 15 ટકા છે.
ઘરે રહેતાં ઘણાં નાનાં બાળકો તંદુરસ્ત વિકાસ માટે જરૂરી રમત-ગમત અને પ્રારંભિક શિક્ષણ સહાય મેળવતાં નથી. તાજેતરના ડેટા અનુસાર, ઓછી અને મધ્યમ આવક ધરાવનારા 54 દેશોમાં ત્રણ અને પાંચ વર્ષ વચ્ચેની વયનાં આશરે 40 ટકા બાળકો તેમના પરિવારની કોઇપણ પુખ્ત વ્યક્તિ પાસેથી સામાજિક-સાંવેદનિક તથા જ્ઞાનાત્મક ઉત્તેજન મેળવ્યું ન હતું.
અહેવાલ અનુસાર, બાળ તકેદારી અને પ્રારંભિક શિક્ષણના વિકલ્પોના અભાવે અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતાં ઘણાં માતા-પિતા, ખાસ કરીને માતા પાસે તેમનાં નાનાં બાળકોને કાર્ય સ્થળે લઇ જવા સિવાય બીજો કોઇ વિકલ્પ બચતો નથી. આફ્રિકામાં 10માંથી નવ મહિલાઓ અને એશિયા અને પેસિફિકમાં 10માંથી સાત મહિલાઓ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે અને તેઓ કોઇપણ પ્રકારના સામાજિક રક્ષણની પહોંચ ધરાવતા નથી અથવા મર્યાદિત પહોંચ ધરાવે છે. ઘણાં માતા-પિતા બિન-ભરોસાપાત્ર અને અત્યંત ઓછું વળતર આપતી રોજગારીની જાળમાં ફસાઇ જાય છે, જેના કારણે ગરીબીનું ચક્ર વણથંભ્યું ચાલતું રહે છે.
સામાજિક રીતે સુચારુ સમાજ અને પરિવારોના વિકાસ માટે પોસાય તેવી તથા ગુણવત્તાયુક્ત બાળ તકેદારી અને પ્રારંભિક બાળ શિક્ષણ વ્યવસ્થા પ્રસ્થાપિત હોય, તે જરૂરી છે. યુનિસેફ શિશુજન્મથી લઇને શાળાના પ્રથમ ધોરણમાં તેમના પ્રવેશ સુધી પ્રાપ્ય, બિન-ખર્ચાળ અને ગુણવત્તાયુક્ત બાળ તકેદારીની હિમાયત કરે છે.
સંશોધનનો અહેવાલ સરકારો તથા નોકરીદાતાઓ પરિવારની સ્થિતિને ધ્યાન પર લીધા વિના, તમામ બાળકોને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત, વય અનુસાર ઉચિત, બિન-ખર્ચાળ અને પ્રાપ્ય બાળ તકેદારી કેન્દ્રો સહિત તેમની બાળ તકેદારી અને પ્રારંભિક બાળ શિક્ષણ નીતિઓમાં સુધારો કરી શકે, તે માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે. આ માર્ગદર્શન પરિવાર માટે સાનુકૂળ હોય તેવી ઉમેરારૂપ નીતિઓ પણ રજૂ કરે છે, જે નીચે પ્રમાણે છેઃ
તમામ માતા-પિતા માટે વળતર સાથે પેરન્ટલ લિવ, જેથી પેરન્ટલ લિવ અને બિન-ખર્ચાળ બાળ તકેદારીના પ્રારંભ વચ્ચે કોઇ અંતર ન સર્જાય.
કામ કરનારાં માતા-પિતાની જરૂરિયાત પર ધ્યાન આપે તેવી સ્થિતિસ્થાપક કાર્ય વ્યવસ્થા
તાલીમ સહિત બિન-કૌટુંબિક બાળ તકેદારી કાર્યબળમાં રોકાણ
અસંગઠિત રોજગારી સાથે સંકળાયેલા પરિવારો સુધી પહોંચતા કેશ ટ્રાન્સફર સહિત સામાજિક સુરક્ષા વ્યવસ્થા
“કોવિડ-19 મહામારી વૈશ્વિ બાળ તકેદારીની કટોકટીને વધુ ગંભીર બનાવી રહી છે. સંકટની આ સ્થિતિને પહોંચી વળવા માટે અને બાળકોના શિક્ષણ અને વિકાસને રક્ષણ પૂરું પાડવા માટે પરિવારોને સરકાર પાસેથી તથા તેમના નોકરીદાતાઓ પાસેથી મદદની જરૂર છે,”તેમ ફોરેએ જણાવ્યું હતું.