પણજી: ઉત્તર ગોવામાં ક્રાઈમ બ્રાંચે એક રેવ પાર્ટી પર દરોડો પાડ્યો હતો. જ્યાં કથિતરીતે માદક પદાર્થનું સેવન કરવામાં આવી રહ્યું હતું. પોલીસે આ કેસમાં ત્રણ વિદેશી સહિત 23 લોકોની ધરપકડ કરી હતી.
તેમણે જણાવ્યું કે શનિવારે રાત્રે પાર્ટી અંજુના પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ વગાટર ગામના વિલામાં ચાલી રહી હતી. ત્યાંથી 9 લાખ રૂપિયાથી વધુની કિંમતના માદક પદાર્થો કબજે કરવામાં આવ્યા છે.
ક્રાઈમ બ્રાંચના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ધરપકડ કરાયેલી મહિલાઓમાં બે રશિયાની છે અને એક મહિલા ચેક રિપબ્લિકની છે. તેમણે કહ્યું કે, આ લોકોની નાર્કોટીક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ પ્રતિબંધિત પદાર્થો રાખવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે પાર્ટીનું આયોજન કરનારા એક ભારતીય વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે.
પાર્ટીમાં હાજર અન્ય 19 લોકોને સોશિયલ ડિસટન્સના નિયમોનું પાલન ન કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આમાંના મોટાભાગના સ્થાનિક પર્યટક હતા જે રજાઓ માટે અહીં આવ્યા હતા.
એક ટ્વિટમાં ગોવાના પોલીસ મહાનિર્દેશકે કહ્યું કે, "ગોવા પોલીસની ક્રાઈમ બ્રાંચે અંજુનામાં મોડી રાત્રે પાર્ટી પર દરોડા પાડ્યા હતા. જે જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે ડ્રગ્સને બિલકુલ સહન ન કરવાની નીતિ તરીકે પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો. જેમાં ત્રણ વિદેશી સહિત 23 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને નવ લાખ રૂપિયાથી વધુની કિંમતના માદક પદાર્થો કબજે કરવામાં આવ્યા હતાં. સિઓલીમ મત વિસ્તારના ગોવા ફોરવર્ડ પાર્ટીના ધારાસભ્ય વિનોદ પાલ્યેકરે દાવો કર્યો હતો કે દરિયાકાંઠાના વિસ્તારમાં રેવ પાર્ટીઓ ચાલે છે.
તેમણે કહ્યું, 'સ્થાનિક પોલીસ સ્ટેશનોને લાંચ આપવામાં આવે છે.' તેમણે ફેસબુક પર લખ્યું, ' ઇન્સ્પેક્ટર સહિત અંજુના પોલીસ સ્ટેશનને સંપૂર્ણ રીતે બદલવાનો સમય આવી ગયો'.
તેમણે કહ્યું, 'રાજ્યને ગૃહ પ્રધાનની જરૂર છે કારણ કે મુખ્યપ્રધાન સાવંતનું સંપૂર્ણ ધ્યાન ખાણકામ પરિવહન પર છે. ગૃહપ્રધાન તરીકે લોબો (ભાજપના ધારાસભ્ય માઇકલ લોબો) વધુ સારી કામગીરી કરી શકે છે.