નવી દિલ્હીઃ પૃથ્વી પર સાક્ષાત ભગવાનનું સ્વરૂપ એટલે ડોક્ટર. એક ઘટનામાં ડોક્ટર્સ દ્વારા આ ઉક્તિને સાકાર કરવામાં આવી છે. મુશ્કેલ સમયમાં પણ કેવી રીતે દર્દીનો જીવ બચાવી શકાય તેનું આદર્શ ઉદાહરણ આ ડોક્ટર્સ દ્વારા પૂરૂ પાડવામાં આવ્યું છે. વિસ્તારા એરલાઈનમાં મુસાફરી કરી રહેલા ડૉક્ટર્સ દ્વારા એક 2 વર્ષની માસૂમ બાળકીનો જીવ બચાવવામાં આવ્યો છે.
બાળકીની તબિયત થઈ અચાનક ખરાબઃ રવિવારે બેંગાલુરૂથી દિલ્હી જઈ રહેલી વિસ્તારાની ફ્લાઈટમાં અચાનક 2 વર્ષની બાળકીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. બાળકીને સિયાનોટિક રોગ છે. થોડા સમય અગાઉ બાળકીનું ઈન્ટ્રાકાર્ડિયાક ઓપરેશન થયું હતું. બાળકીની તબિયત ગંભીર થઈ જતાં તે બેભાન થઈ ગઈ હતી. બાળકીની સ્થિતિ જોતા ફ્લાઈટના સમગ્ર પેસેન્જર્સ ગભરાઈ ગયા હતા. ફ્લાઈટમાં હાજર એઈમ્સના 5 ડોક્ટર્સે આ માસૂમ બાળકીનો જીવ બચાવ્યો.
જન્મથી જ બાળકીને છે હાર્ટ પ્રોબ્લેમઃ બાંગ્લાદેશની આ બાળકીને જન્મથી જ હાર્ટ પ્રોબ્લેમ છે. ફ્લાઈટમાં બાળકીની તબિયત અચાનક બગડતાં હાજર ડૉક્ટર્સ દ્વારા મર્યાદિત સંશાધનોથી તેણીની સારવાર શરૂ કરી દીધી છે. ડૉકટર્સ દ્વારા ફ્લાઈટમાં બાળકીની બગડતી તબિયત સંભાળવામાં આવી. ત્યારબાદ નજીકના એરપોર્ટ નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. આ ઈમરજન્સી ટ્રીટમેન્ટ દરમિયાન બાળકીને 2 વાર હાર્ટ એટેક આવ્યો હતો.
5 ડૉક્ટર્સે બચાવી જિંદગીઃ પ્લેનમાં હાજર ડૉક્ટર્સને બાળકીની ક્રિટિકલ સીચ્યુએશનનો ખ્યાલ આવી ગયો હતો. બાળકીના નાડ ચાલુ ન હતી. હાથ પગ ઠંડા પડી ગયા હતા અને તેણી શ્વાસ લઈ રહી નહોતી. બાળકીના હોઠ અને આંગળીઓ પીળા પડી ગયા હતા. ડૉક્ટર્સે તાત્કાલિક સીપીઆર ટ્રીટમેન્ટ આપી. તેમજ કૈનુલા-4 આપવામાં આવી.
ભગવાન સ્વરૂપ ડૉક્ટર્સઃ એઈમ્સના આ 5 ડૉક્ટર્સમાં ડૉ. નવદીપ કૌર, ડૉ. દમનદીપ સિંહ, ડૉ.ઋષભ જૈન, ડૉ.ઓઈશિકા અને ડૉ. અવિચલા ટૈક્સકનો સમાવેશ થાય છે.