- દેશમાં કોરોના મહામારી વચ્ચે 3 ફંગસે ધારણ કર્યું જોખમી રૂપ
- કોરોના બાદ બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના કેસ નોંઘાયા હતા
- બ્લેક અને વ્હાઈટ ફંગસ બાદ દેશમાં યેલો ફંગસે મચાવ્યો કહેર
હૈદરાબાદ: ભારતમાં કોરોના મહામારી હજુ શાંત થવાનું નામ નથી લેતી, એવામાં બ્લેક ફંગસ તેમજ વ્હાઈટ ફંગસ બાદ હવે યેલો ફંગસનો કહેર સામે આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, યેલો ફંગસ બ્લેક અને વ્હાઈટ ફંગસ કરતા વધારે ઘાતકી માનવામાં આવે છે.
બ્લેક અને વ્હાઈટ ફંગસ કરતા વધુ ઘાતકી
એક DNA રિપોર્ટ અનુસાર, યેલો ફંગસનો સૌપ્રથમ કેસ ઉત્તરપ્રદેશના ગાજિયાબાદ જિલ્લામાંથી મળી આવ્યો હતો. આ ફંગસને બ્લેક અને વ્હાઈટ ફંગસ કરતા વધારે ઘાતકી માનવામાં આવે છે. યેલો ફંગસના દર્દીઓ સુષુપ્ત અવસ્થામાં હોય છે. તેમને ભૂખ ઓછી લાગે છે અને વજનમાં પણ સતત ઘટાડો થતો જોવા મળે છે.
યેલો ફંગસનું મુખ્ય કારણ છે ગંદકી
યેલો ફંગસ મુખ્યત્વે ભયાનક ગંદકીના કારણે થઈ શકે છે. જેથી ઘરની આસપાસ સ્વચ્છતા રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સૂક્ષ્મજીવો તેમજ પરોપજીવીઓને રોકવા માટે ઘરોમાંથી તેમજ આસપાસમાંથી ગંદકીને તાત્કાલિક ધોરણે હટાવી લેવી જોઈએ. ઘરમાં ભેજનું પ્રમાણ પણ ઓછું હોવુ જોઈએ. જેથી કોઈ પણ વાયરસ કે ફૂગમાં વધારો ન થાય.
કો-મોર્બિડ લોકોને વધુ તકેદારીની જરૂર
હજુ સુધી યેલો ફંગસની સૌથી વધુ અસર કોણે થઈ શકે તે ચોક્કસપણે જાણી શકાયું નથી. જોકે, કેટલાક વિશેષજ્ઞો જણાવી રહ્યા છે કે, જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેમણે વધારે તકેદારી રાખવાની જરૂર છે. ડાયાબિટીઝ તેમજ કો-મોર્બિડ લોકોએ પણ તેટલી જ તકેદારી રાખવાની જરૂર છે અને જો કોઈ પણ લક્ષણ જણાય તો તરત જ સ્પેશિયલાઈઝ્ડ ડૉક્ટર્સનો સંપર્ક કરવો જોઈએ.