સમાજ ટોચ પર બેસાડે, સમાજ ઉતારી પણ દે-જયેશ રાદડિયા, શું આ વિરોધીઓ માટે સંકેત છે? - Surat News
Published : Jul 29, 2024, 8:34 PM IST
સુરતઃ વિઠ્ઠલ રાદડિયાની પુણ્યતિથિ સંદર્ભે સુરત ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા પૂર્વ મંત્રી અને જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયેશ રાદડિયા આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. જયેશ રાદડિયાએ નામ લીધા વગર વિરોધીઓ પર વાકપ્રહાર કર્યા હતા અને સમય આવ્યે જવાબ આપવાની તૈયારીઓ છે તેવો હુંકાર કર્યો હતો. જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અલગ અલગ ચર્ચાઓએ જોર પકડ્યું હતું. લેઉવા પાટીદાર સમાજના બે આગેવાન વચ્ચેનો વિવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને રાદડિયા વચ્ચેના આ અણબનાવ વચ્ચે ધારાસભ્ય જયેશ રાદડિયાએ ફરી નામ લીધા વિના જ જેને ખાસ સંદેશ આપવાનો છે એમને આપી દીધો છે. ગત 28 જુલાઈની રાત્રે સુરતમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની 5 પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પમાં હાજરી આપી હતી. આ દરમિયાન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, અમુક લોકોને શું પેટમાં દુઃખે છે? મેં કહ્યું હતું ને કે, સમાજનો મજબૂત આગેવાન હોય એને સ્વીકારજો, માયકાંગલાંઓની સમાજને જરૂર નથી. એ પોતે તો તૂટી જશે અને સમાજને પણ તોડી નાંખશે. તાકાતવાળો હોય એને આગળ કરજો. કોઈ પાડી દેવાના કાવતરા કરતા હશે તો તે સફળ થશે નહીં.