Surat News : વાંકલ ગામમાં વાંદરાનો આંતક, વધુ ચાર લોકો પર હુમલો કરતા નાસભાગ મચી - વાંકલ ગામમાં વાંદરાનો આંતક
🎬 Watch Now: Feature Video
Published : Feb 16, 2024, 11:31 AM IST
|Updated : Feb 16, 2024, 2:30 PM IST
સુરત : માંગરોળ તાલુકાના વાંકલ ગામે આંતક મચાવનાર મચાવનાર તોફાની વાંદરાએ વધુ ચાર લોકોને નિશાન બનાવતા 20 જેટલા લોકો અત્યાર સુધીમાં તોફાની વાંદરાનો ભોગ બન્યાં છે. ગભરાયેલા લોકોએ વાંદરાને ડાર્ટ ગનથી બેભાન કરી પકડી લેવાની માંગ કરી હતી. વાંકલ ગામમાં છેલ્લા પાંચ દસ દિવસથી તોફાને ચડેલો વાંદરો શાકભાજી ફ્રુટની લારીની આસપાસ લોકોને બચકા ભરી રહ્યો છે. જેથી લોકોએ વાંદરાને પકડવા માટેની માંગણી કરતાં સવારથી જ વન વિભાગની ટીમ પાંજરા સાથે વાંદરાને શોધી રહી હતી. ત્યારે સાંજના સુમારે વાંકલ પ્રાથમિક શાળા રોડ પાણીની ટાંકી પાસે તોફાની વાંદરો તેના ઝુંડ સાથે દેખાયો હતો. જેથી વન વિભાગની ટીમે કેળા દ્રાક્ષ પાંજરામાં મૂકી વાંદરાને પકડવા પ્રયાસો કર્યા હતાં. આ સમયે વાંદરી પાંજરામાં ગઈ હતી પરંતુ તોફાને ચડેલો વાંદરો પાંજરાની બહાર રહ્યો હતો અને વન વિભાગના કર્મચારીઓ સામે સતત ગરકીયા કરી રહ્યો હતો. વાંદરો એકાએક પોલીસ સ્ટેશન તરફ દોડી આવ્યો હતો અને હરેશભાઈ મોદીના પગ પર નખ માર્યા હતાં. ત્યારબાદ તેમની આગળ ભાગી રહેલા એક 16 વર્ષના યુવાનને આ વાંદરાએ પાડી નાખ્યો હતો. માંડ માંડ યુવાન વાંદરાની ચુંગાલમાંથી બચ્યો હતો. ત્યારબાદ વાંકલ દૂધ ડેરી પાસે વાંદરો આવતા દૂધ મંડળીના એક કર્મચારીને પગમાં નખ માર્યા હતાં. તેમજ બાજુમાં દૂધ લઈને ઊભા રહેલા પાનેશ્વર ફળિયાના ચીમનભાઈ ચૌધરીના હાથમાં વાંદરાએ બચકું ભરી લેતા લોહીલુહાણ થઇ ગયા હતા. વન વિભાગના કર્મચારી તેમને તાત્કાલિક દવાખાને લઈ ગયા હતાં. હુમલાનો ભોગ બનેલા હરેશભાઈ મોદી અને અગાઉ હુમલાનો ભોગ બનેલા માલકમભાઈ વરિયાવાએ જણાવ્યું કે તોફાને ચડેલો વાંદરાનું રૂપ જોતા હજી એ વધુ લોકોને નિશાન બનાવે એવું લાગે છે. જેથી વન વિભાગ તાત્કાલિક ધોરણે ડાર્ટ ગનથી વાંદરાને બેહોશ કરી પકડી લે તેવી અમારી માગણી છે. ત્યારે માંગરોળ તાલુકાના RFO હીરેન પટેલે જણાવ્યું હતું કે સ્થાનિકો દ્વારા કરવામાં આવેલ ફરિયાદને લઈને અમારી ટીમ દ્વારા વાંદરાને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અનેપાંજરૂ પણ ગોઠવવામાં આવ્યું છે.