વલસાડ: જિલ્લાના ધરમપુરમાં આવેલા મરઘમાળ ગામે મધ્યાન ભોજન યોજનામાં નાસ્તામાં આપવામાં આવતા કઠોળ જેવા કે, ચણા સડેલા અને જીવાત વાળા નીકળ્યા હોવાની વાતને લઈને અપક્ષ સભ્ય સ્થળ ઉપર તપાસ માટે પહોંચ્યા હતા અને જે બાદ તેમણે સ્થળ ઉપરથી એક વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. જે અંગે વહીવટી તંત્ર દોડતું થયું હતું. નાયબ મામલતદારની ટીમ શનિવારના રોજ ધરમપુરની વિવિધ સ્કૂલોમાં અનાજની તપાસ શરૂ કરી હતી.
મરઘમાળ શાળામાં સડેલું અનાજ મળ્યું: તાજેતરમાં ગત શુક્રવારના રોજ ધરમપુર તાલુકામાં આવેલા મરઘમાળ ગામે આવેલી પ્રાથમિક શાળામાં મધ્યાન ભોજન યોજના અંતર્ગત સ્કૂલોમાં બાળકોને પોષણયુક્ત આહાર મળે તે માટે નાસ્તો આપવામાં આવે છે. જેમાં બાળકોને બાફેલા ચણા આપવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવતા ચણા સડેલા અને જીવાત વાળા હોવાની ચર્ચા ઉઠી હતી. જેને લઈને તપાસ માટે તાલુકા પંચાયતના અપક્ષ સભ્યે આકસ્મિક રીતે શાળાની તપાસ માટે પહોંચ્યા હતા. જેમાં હકીકત બહાર આવી હતી.
બાળકોને સડેલું અનાજ અપાય તે નહી ચાલે: તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય અને આદિવાસી નેતા કલ્પેશ પટેલને સ્કૂલની મુલાકાત કરતા સ્કૂલમાંથી જીવાત વાળા અને સડેલા ચણા મળી આવ્યા હતા. ત્યારબાદ તેમણે કહ્યું કે, બાળકોને આપવામાં આવતું ખરાબ અનાજ જો બાળકો આરોગશે તો તેમના સ્વાસ્થ્ય માટે પણ મોટો ખતરો સાબિત થઈ શકે છે. બાળકો સાથે આ અન્યાયને નહીં ચલાવાય. તેમણે કહ્યું કે, જો આ બાબતે તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો તેઓ મામલતદાર કચેરીએ જઈને આંદોલન કરશે.

સડેલા ચણાનો વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો: શાળાની આકસ્મિક તપાસે પહોંચેલા અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે સમગ્ર બાબતનો વિડીયો સોશિયલ મીડિયામાં મૂકી બાળકોને યોગ્ય ન્યાય આપવા માટે રજૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, એક તરફ સરકાર બાળકોને પોષણયુક્ત ખોરાક આપવા માટે કટિબદ્ધ છે અને લાખો રૂપિયા ખર્ચી વિવિધ યોજનાઓ ચલાવી રહી છે, ત્યારે આ યોજનામાં આપવામાં આવતા અનાજનું કોઈ તપાસ કરવામાં આવે છે કે, કેમ એ આ ઘટના હકીકત કહી આપે છે.

ઘટનાની જાણ થતા વહીવટી તંત્ર દોડતું થયું: વલસાડ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા અનાજ સડેલું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં આવતાની સાથે જ તપાસના આદેશ આપ્યા હતા. જે અંતર્ગત ધરમપુર નાયબ મામલતદારની ટીમ ધરમપુરની મરઘમાળ શાળા તેમજ મોટી ઢોર ડુંગરી શાળા તેમજ અન્ય 4થી વધુ શાળાઓમાં મધ્યાન ભોજન યોજના અંતર્ગત આવતા વિવિધ અનાજની તપાસ સાથે પહોંચી હતી. જેમાં મરઘમાળ શાળા અને મોટી ઢોરડુંગરી ખાતે અનાજ સડેલું હોવાનું બહાર આવ્યું હતું અને જેને બદલી આપવા માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે.

શાળામાં અપાયેલું અનાજ સડેલું આવતું નથી: આ ઘટના અંગે મામલતદાર ભરત પટેલે જણાવ્યું કે, વિવિધ શાળામાં આપવામાં આવતું અનાજ કોઈ જાણી જોઈને સડેલું આપતું નથી. ક્યારેક આ અનાજનો જથ્થો લાંબા સમયથી ગોડાઉનમાં પડ્યો રહેવાથી એમાં જીવાત પડી જતી હોય છે. ત્યારે મધ્યાહન ભોજનના કર્મચારીઓ અનાજના જથ્થાને શાળામાં લઈ ગયા બાદ તેને તડકામાં સુકવતા નથી. જેના કારણે ઘણીવાર આવી ઘટનાઓ બનતી હોય છે. તેમ છતા આવી ઘટનાઓ સામે આવતા તેની તપાસ માટે ટીમ મોકલવામાં આવી છે. જો જીવાત વાળા કઠોળ કે અનાજ જણાશે તો તેની સ્થાને યોગ્ય જથ્થો પૂરો પાડવામાં આવશે. આમ મધ્યાહન ભોજનમાં નીકળેલા સડેલા જીવાત વાળા ચણાના જથ્થાને બદલાવી દેવાની કામગીરી કરવામાં આવી છે, તેમજ અન્ય શાળામાં પણ આ પ્રકારનો જથ્થો છે કે કેમ, તે અંગેની તપાસ પણ વહીવટી તંત્ર દ્વારા શરુ કરવામાં આવી છે.
આ પણ વાંચો: