Bus Accident: કામરેજના લાડવી ગામે ટાયર ફાટતા બસ કેનાલમાં ખાબકી, કોઈ જાનહાનિ નહીં - Tyer Blast
🎬 Watch Now: Feature Video
Published : Mar 6, 2024, 4:35 PM IST
સુરતઃ જિલ્લાના કામરેજ તાલુકાના લાડવીથી કોસમાડા ગામની સીમમાં પસાર થતા રસ્તા પર એક બસ કેનાલમાં ખાબકી હતી. આ બસનું ટાયર ફાટતા ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માતની ઘટના ઘટી હતી. જેમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. બનાવને પગલે મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હતી. બસમાં અંદાજિત 15 જેટલા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. તેમણે અકસ્માત થતા બૂમાબૂમ કરી હતી. બનાવને પગલે અન્ય વાહન ચાલકો તેમજ આજુબાજુ ગામના લોકો સ્થળ પર દોડી ગયા હતા. કામરેજ પોલીસ અને કામરેજ ફાયર વિભાગની ટીમની મદદથી મુસાફરોને હેમખેમ બહાર કાઢ્યા હતા. ઘાયલ મુસાફરોને 108ની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી હતી. લાડવી ગામના સ્થાનિક અગ્રણી નિમેષ દેસાઈએ જણાવ્યું હતું કે, અકસ્માતની ઘટનાની જાણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાને કરવામાં આવી હતી. તેમણે પોલીસ, ફાયર, ક્રેન, 108 અને કાર્યકર્તાઓને જાણ કરી સૂચનો આપ્યા હતા. જેથી ભરત કોસમાડા સહિત અમે લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. અકસ્માતમાં કોઈ મુસાફરોને મોટી ઈજાઓ થઈ ન હતી. કામરેજ પોલીસ મથકના પીઆઈ ઓ.કે. જાડેજાએ પણ સત્વરે ટીમ ઘટના સ્થળે મોકલી આપી હતી.