સુરત: સુરતના ગોડાદરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 8ની વિદ્યાર્થિનીએ આપઘત કરી લીધો છે. પરિવારજનોના આરોપ મુજબ, સ્કૂલની ફી બાકી હોવાના કારણે શિક્ષકે વિદ્યાર્થિનીને ઈન્ટર્નલ પરીક્ષામાં બેસવા દીધી ન હતી અને આખો દિવસ ક્લાસની બહાર ઊભી રાખી હતી.
સ્કૂલમાં વિદ્યાર્થિનીને એકલી બેસાડી રખાઈ
સ્કૂલના 10 જાન્યુઆરીના CCTV ફૂટેજમાં સામે આવ્યું છે કે, વિદ્યાર્થિનીને લગભગ સવા કલાક સુધી કોમ્પ્યુટર લેબમાં એકલી બેસાડી રાખવામાં આવી હતી. આ ઘટના બાદ વિદ્યાર્થિની ખૂબ ગભરાયેલી હતી અને સ્કૂલે જવાનો ઈનકાર કરી રહી હતી. માતા-પિતા કામ પર ગયા હતા ત્યારે તેણે ઘરે જીવન ટૂંકાવ્યું હતું.
શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા
સ્કૂલ સંચાલકોએ પરિવારના આક્ષેપોને નકારી કાઢ્યા છે અને જણાવ્યું કે, વિદ્યાર્થીઓ સાથે ફી અંગે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી. શિક્ષણ વિભાગે ચાર સભ્યોની ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે. ટીમે 10-11 વિદ્યાર્થીઓના નિવેદન લીધા છે અને શિક્ષકો તથા ટ્રસ્ટીઓના લેખિત નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે.
પરિવારના સ્કૂલ પર આરોપ
મૃતક વિદ્યાર્થિનીના પિતા રાજુ ખટીકે જણાવ્યું કે, ઉત્તરાયણ પહેલાં તેમની દીકરીની પરીક્ષા હતી, પરંતુ સ્કૂલે તેને પરીક્ષા આપવા દીધી ન હતી અને ક્લાસની બહાર ઊભી રાખી હતી, જેના કારણે તે ઘરે આવીને રડવા લાગી હતી.
સ્કૂલ સંચાલકે શું જવાબ આપ્યો?
આ મામલે આદર્શ પબ્લિક સ્કૂલના સંચાલક મુકેશભાઈએ જણાવ્યું કે, આ ઘટનાની જાણ અમને સવારે થઈ છે. સ્કૂલને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. ફી બાબતે આપઘાત કર્યો તે ખોટી વાત છે, આ પાયાવિહોણી વાત છે. સ્કૂલમાં છોકરાઓને ફી માટે જાણકારી આપતા જ નથી કે તમારી કેટલી ફી જમા છે અને કેટલી બાકી. અમે વાલીઓ સાથે જ વાત કરીએ છીએ. અમે તારીખ આપીએ છીએ અને તેને મેન્શન કરીએ છીએ અને પછી તેનો ફિડબેક લઈએ છીએ. જ્યારે વાલીઓ ફોન ન ઉપાડે ત્યારે જ અમે તેઓને વાલીને બોલાવવાનું કહીએ છીએ. હાલ પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: