સુરતમાં 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ અને હત્યાનો પ્રયાસ કરનાર ઝડપાયો, રાંદેર પોલીસે ગણતરીના કલાકોમાં કેસ ઉકેલ્યો - Suarat News - SUARAT NEWS
🎬 Watch Now: Feature Video
Published : Jun 21, 2024, 9:31 PM IST
સુરત: ધોરણ 9ની વિદ્યાર્થીનીનું ગળું દબાવીને દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનીએ પ્રતિકાર કરતા આરોપીએ વિદ્યાર્થીની સાથે બળજબરી કરી તેના માથામાં નાની ગેસની બોટલ મારી ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ તેને પંખે લટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે હાલ વિદ્યાર્થીનીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને આરોપીની રાંદેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સુરતના પાલનપુર જકાતનાકા ખાતે રહેતા શ્રમજીવી પરિવારની 14 વર્ષની દીકરી સાથે દુષ્કર્મના પ્રયાસની ઘટના સામે આવી છે. 19 જૂનના રોજ સવારના સમયે વિદ્યાર્થીના પિતા તેને શાળાએ મૂકીને કામ પર ગયા હતા અને ત્યારબાદ અભ્યાસ પછી વિદ્યાર્થીની ઘરે આવીને પોતાનું હોમવર્ક કરી રહી હતી. આ સમયમાં પાડોશમાં રહેતો એક પરપ્રાંતીય યુવક ઘરમાં ઘૂસી ગયો અને વિદ્યાર્થીની સાથે જબરજસ્તી કરવા લાગ્યો હતો. વિદ્યાર્થીની દ્વારા નરાધમનો પ્રતિકાર કરવામાં આવ્યો. ત્યારે આરોપીએ રૂમમાં રહેલો નાનો ગેસનો બાટલો વિદ્યાર્થીનીના માથા પર માર્યો હતો અને વિદ્યાર્થીનીને ઈજાગ્રસ્ત કરી હતી. માથામાં ગંભીર ઈજા થવાના કારણે વિદ્યાર્થીની બેભાન થઈ ગઈ હતી અને બેભાના હાલતમાં આ વિદ્યાર્થીને પંખે લટકાવી તેની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે જે સમયે આ નરાધમ વિદ્યાર્થીને પંખે લટકાવવાનો પ્રયાસ કરતો હતો ત્યારે વિદ્યાર્થીની એકાએક ભાનમાં આવી ગઈ અને તે બૂમાબૂમ કરવા લાગી હતી. ત્યારબાદ આરોપીએ 14 વર્ષની વિદ્યાર્થીનીનું માથું દીવાલ સાથે અથડાવ્યું હતું અને ફરીથી આ વિદ્યાર્થીની બેભાન થઈ ગઈ હતી અને આરોપી નાસી છુટ્યો હતો. પીડીતાના પિતા દ્વારા સમગ્ર ઘટનાને લઈને રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. તો રાંદેર પોલીસ દ્વારા સમગ્ર મામલે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરીને વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી તેની હત્યા કરવાનો પ્રયાસ કરનારા આરોપીને ગણતરીના સમયમાં જ ઝડપી પાડ્યો છે.