રિક્ષા તો આપી, પણ સબસિડી ક્યારે આપશો ? રાજકોટની લાભાર્થી મહિલાઓનો અધિકારીઓ સામે મોરચો - RAJKOT PINK RIKSHA PROBLEM
🎬 Watch Now: Feature Video
રાજકોટ: જિલ્લામાં મિશન મંગલમ યોજના ગ્રામ વિકાસ એજન્સી હેઠળ બહેનોને રિક્ષા આપવામાં આવી હતી. જેથી બહેનો આત્મનિર્ભર થઈ શકે. જો તમને યાદ હોય તો કેટલાક સમયથી ગુલાબી રિક્ષા સાથે બહેનો પણ રિક્ષા ચાલકો વચ્ચે દેખાઈ આવતા હતા, બસ આ એ જ રિક્ષા છે. પરંતુ અહીં વાત એમ છે કે, અધિકારીઓ દ્વારા આ રિક્ષા માટે બહેનોને સબસિડી આપવાની પણ વાત કરવામાં આવી હતી, જેમાં જણાવ્યા અનુસાર રૂપિયા 1 લાખની સબસિડી આપવાની વાત થઈ હતી, પરંતુ આ સબસિડીની કામગીરી માત્ર ચોપડે જ રહી હોય તેવું જણાય છે કારણ કે, આવી કોઈ સબસિડી બહેનોને આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે, 2018માં મિશન મંગલમ યોજના ગ્રામ વિકાસ એજન્સી દ્વારા બહેનોને રિક્ષા આપવામાં આવી હતી તેમજ લાયસન્સ પણ કઢાવી આપવામાં આવ્યા હતા, પરંતુ સામે સબસીડી ન મળતા અંતે બહેનોને આકરા તાપમાં જિલ્લા પંચાયતના ધક્કા ખાવાનો વારો આવ્યો અને અંતે તેઓને વિરોધ પ્રદર્શનનું શસ્ત્ર ઉગામવું પડ્યું. આમ અનેક બહેનોને કામગીરીના નામે રિક્ષાઓ આપી અધિકારીઓએ સબસિડી ન આપતા લાભાર્થી મહિલાઓ મુંઝવણમાં મુકાઈ છે. ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે, શું તંત્ર આવા અધિકારીઓ સામે પગલાં ભરી બહેનોને સબસિડી અપાવશે?