બકરીઈદની જાહેર રજામાં રાજકોટની ધોળકિયા સ્કૂલ કાર્યરત રખાતા કોંગ્રેસનું હલ્લાબોલ, પોલીસે 5ની અટકાયત કરી - Rajkot News - RAJKOT NEWS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jun 17, 2024, 7:47 PM IST

રાજકોટઃ બકરી ઈદની જાહેર રજાના દિવસે પણ રાજકોટની ધોળકિયા સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય યથાવત રહેતા કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. આ હલ્લાબોલ બાદ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી. બકરીઈદની સરકારી જાહેર રજા હોય ત્યારે તમામ શૈક્ષિણિક સંસ્થાઓમા શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનુ હોય છે પરંતુ રાજકોટની નામાંકિત ધોળકીયા સ્કુલને જાણે સરકારના નિયમો સાથે કંઈ લેવાદેવા જ ના હોય તેમ અવારનવારની જેમ આજે પણ ધોળકિયા સ્કૂલની તમામ બ્રાન્ચો ચાલૂ રાખી હતી. આ સ્કૂલના અનેક વિદ્યાર્થીઓના અને તેઓના વાલીઓના ફરિયાદો કરી હતી કે આ જ સ્કૂલમા શૈક્ષિણિક કાર્ય કેમ ચાલુ? તેઓની ફરિયાદોને આધારે કોંગ્રેસના વિદ્યાર્થીનેતા અને કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત અને તેઓની ટીમ જે જે શાળાઓ આજે ચાલુ હતી તે સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાવવા સંચાલકોને રજૂઆત કરવા નિકળ્યા હતા. બાલાજી હોલ નજીક આવેલી કે.જી.ધોળકિયા સ્કૂલ પર પહોચ્યા હતા અને સ્કૂલ સંચાલકની ચેમ્બરમાં રજૂઆત કરી હતી.  

બાળમાનસને અસરઃ ધોળકીયા સ્કૂલના સંચાલક કૃષ્ણકાન્ત ધોળકીયાને રજૂઆત કરતા કહ્યું હતું કે, જે નાના ભૂલકાઓને આપણે બિનસાંપ્રદાયિકતા અને “સર્વ ધર્મ સમ ભાવ” ના પાઠ ભણાવિયે છે તે બાળકોને કોઈ પણ ધાર્મિક તહેવારોની જાહેર રજાઓમા શાળાઓએ બોલાવવામા આવે ત્યારે તેઓના માનસ પર ખરાબ અસર વર્તાય છે. શાળાઓમા તમામ ધર્મના બાળકો અભ્યાસ કરતા હોય છે ત્યારે આ રીતે ધાર્મિક ભેદભાવો રાખી ક્યારેક શાળા બંધ તો ક્યારેક ચાલુ ન રાખી શકાય. આપણો દેશ બિનસાંપ્રદાયિક દેશ છે ત્યારે તમામ ધાર્મિક તહેવારોમા શાળાઓ બંધ રહે એ અમારી પ્રાથમિકતા છે. બાળકોનુ શૈક્ષણિક કાર્ય બગડે તેવો અમારો બદ ઈરાદો નથી પરંતુ અમારા માટે ધાર્મિક-સાંપ્રદાયિકતા ભેદભાવની અસર બાળકોમાં નાનપણથી જ ના જાય અને જેનો આપણા સમાજમાં કોઈ ખરાબ મેસેજ ના જવો જોઈએ તે છે. બાળકોમાં રામનવમી, ક્રિસમસ અને ઈદ બધા તહેવારોની લાગણી સરખી રહેશે તો જ આપણો દેશ વિકસિત થશે.  

પોલીસે કરી અટકાયતઃ  કોંગ્રેસના વિદ્યાર્થી નેતાઓ જ્યારે આ બાબતે સ્કૂલ સંચાલકને રજૂઆત કરતા હતા ત્યારે તાલુકા પોલીસે બળજબરીપૂર્વક કાર્યકરોની અટકાયત કરી હતી. રોહિતસિંહ રાજપૂતનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે, અમે જિલ્લા શિક્ષણ અધિકારીને આ અંગે આજે 5 કોલ કરેલ હતા પણ કોઇ પ્રત્યુતર મળ્યો ના હતો. બાદમાં અમારે સ્કૂલે રૂબરૂ જવુ પડ્યું હતું પણ સંચાલકે પોલીસને આગળ કરી વિદ્યાર્થીઓનો અવાજ દબાવ્યો છે. અમને જિલ્લા શિક્ષણ અધિકારીનો મોડેથી ફોન આવ્યો છે અને અમે નિયમોનો ઉલાળિયો કરનાર સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. ડીઈઓએ અમને બાંહેધરી આપી છે કે આવનાર સમયમા આ બાબતે અમે કડકાઈ દર્શાવશું અને આજની બાબતે પણ ગંભીરતા દાખવી કડક કાર્યવાહી કરીશું.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.