Ambaji accident : ભક્ષક પોલીસકર્મી ! નશાની હાલતમાં અકસ્માત સર્જનાર પોલીસકર્મી ઝડપાયો, ગાડીમાં મળ્યો દારૂ - Palanpur Police Headquarters
🎬 Watch Now: Feature Video
Published : Feb 5, 2024, 11:50 AM IST
અંબાજી : પ્રજાના રક્ષક જ તેમના જીવના ભક્ષક બન્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. અંબાજીમાં જાહેર રસ્તા પર બે લોકોને અડફેટે લઈને ફરાર થયેલા બે શખ્સ કાર સહિત ઝડપાયા હતા. જ્યારે તેમની અને કારની તપાસ કરવામાં આવી તો ચોંકાવનારી વિગતો સામે આવી છે.
અંબાજી બસ સ્ટેશન પાસે એક કારચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેમાં બાઈક પર સવાર બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. જોકે બાઈકને અડફેટે લીધા બાદ ત્યાંથી ફરાર થયેલા બંને શખ્સ કાર સહિત થોડે દૂર ભાટવાસ વિસ્તારમાં રહીશોના હાથે પકડાઈ ગયા હતા. કારચાલક નશામાં હોવાનું જણાતા કારની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન કારમાંથી દારૂની બોટલ અને આઈ કાર્ડ મળી આવ્યું હતું. જે મુજબ કારચાલક પોલીસકર્મી હોવાનું ખુલતા ચકચાર મચી હતી.
સ્થાનિક લોકોએ બંને શખ્સોને પોલીસ સ્ટેશનને હાજર કર્યો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માત સર્જનાર પોલીસ દલાભાઈ કેસરભાઈ ચૌધરી પાલનપુર પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે. જ્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્ત બંને લોકોને સારવાર અર્થે અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર જી.આર. રબારીએ જણાવ્યું હતું કે, અંબાજી પોલીસે કાર કબ્જે કરી બંને શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.