કચ્છ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ લગાવી જીતની હેટ્રિક - Lok Sabha Election Results 2024
🎬 Watch Now: Feature Video
Published : Jun 4, 2024, 6:24 PM IST
|Updated : Jun 5, 2024, 6:57 PM IST
કચ્છઃ આજે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ આવી ગયું છે. જેમાં ગુજરાતની કચ્છ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ સતત ત્રીજી વાર જંગી લીડ સાથે જીત મેળવીને હેટ્રિક નોંધાવી છે. ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને 6.56 લાખ મત મેળવ્યા હતા અને 2.67 લાખની વધારાની લીડથી જીત મેળવી હતી. એક સમયે ક્ષત્રિય આંદોલન અને કોગ્રેસે નવા ઉમેદવારને મેદાને ઉતારતા બેઠક પર રસાકસી થાય તેવી શક્યતા હતી, પરંતુ શરૂઆતમાં અબડાસા અને ભુજના બુથમાં કોગ્રેસને માત્ર લીડ મળી હતી. તે સિવાય ભાજપના ઉમેદવાર સતત પોતાની લીડ વધારતા ગયા 2.39 લાખની લીડ થયા બાદ કોગ્રેસના ઉમેદવારે પરિણામ આવે તે પહેલાં જ હાર સ્વીકારી હતી. જીત બાદ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ મતદારનો આભાર માની કેન્દ્રની મહત્વની યોજનાનો લાભ કચ્છને આપવાની ખાતરી આપી હતી. ત્રીજી ટર્મ કચ્છમાં જીત્યા બાદ વિનોદ ચાવડાએ તમામનો આભાર માની આગામી સમયમા કચ્છના વિકાસની ખાતરી આપી હતી.
કેટલું થયું હતું મતદાન?: કચ્છ લોકસભા બેઠકની ચૂંટણી માટે 7મી મેના મતદાન સંપન્ન થયું હતું. કચ્છ લોકસભા બેઠક માટે 56.14 ટકા મતદાન થયું હતું. જે વર્ષ 2019ની ચૂંટણી કરતા 2.08 ટકા ઓછું થયું છે.વર્ષ 2024ની ચૂંટણી માટે 19,43,136 જેટલા મતદારો પૈકી 10,90,878 મતદારોએ જ મતદાન કર્યું હતું અને 8,52,258 મતદારો મતદાનથી દૂર રહ્યા હતા.
કેવી હતી મતગણતરી વખતે સ્થિતિ?: સૌપ્રથમ પોસ્ટલ બેલેટ ના મતોની ગણતરી કરવામાં આવી હતી. જેમાં કુલ 9101 મતદારોએ કચ્છ લોકસભા બેઠક પર પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. ત્યાર બાદ સ્ટ્રોંગરૂમમાંથી evm મશીનો મતગણતરી કેન્દ્રોના હોલ સુધી લઈ જવાયા. કચ્છ લોકસભા બેઠક અંતર્ગત 7 જેટલી વિધાનસભાના 154 રાઉન્ડમાં ગણતરી હાથ ધરાઈ હતી. જેમાં અબડાસા વિધાનસભા બેઠકના 27 રાઉન્ડ, ભુજ અને ગાંધીધામ વિધાનસભાના 22-22 રાઉન્ડ, રાપર, અંજાર અને મોરબી વિધાનસભાના 21-21 રાઉન્ડ તો માંડવી વિધાનસભાના 20 રાઉન્ડમાં 7 વિધાનસભા બેઠકો મુજબ 7 હોલમાં 14 ટેબલો પર મતગણતરી કરવામાં આવી હતી.
કુલ 2000 કર્મચારીઓએ ફરજ બજાવીઃ મતગણતરી કેન્દ્ર ખાતે કુલ 2000 જેટલા કર્મચારીઓએ ફરજ બજાવી હતી. તો ગરમીના ઉકળાટ વચ્ચે કોઈ અનિચ્છનિય ઘટના ના બને તે માટે આરોગ્ય વિભાગની ટીમો પણ અહીં તૈનાત હતી. સાથે જ ત્રિસ્તરીય સુરક્ષા વચ્ચે મત ગણતરીની સમગ્ર પ્રકિયા કરવામાં આવી હતી.