સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી બારડોલીમાં કરાઈ, વન અને પર્યાવરણ મંત્રી ઉપસ્થિત - International Yoga Day - INTERNATIONAL YOGA DAY
🎬 Watch Now: Feature Video
Published : Jun 21, 2024, 9:41 PM IST
સુરતઃ ભારતીય સંસ્કૃતિની અણમોલ ભેટ સમા યોગને વૈશ્વિક સ્વીકૃત્તિ મળતા દેશ-વિદેશમાં યોગ દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર 10મા વિશ્વ યોગ દિનની ઉજવણી અંતર્ગત રાજ્યના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ અને રાજ્ય યોગબોર્ડ તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બારડોલી ખાતે સુરત જિલ્લાકક્ષાની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બારડોલી નગરના આબાલવૃદ્ધ સૌ કોઈ યોગાભ્યાસમાં સામૂહિક રીતે જોડાઈને સવારના ખુશનુમા વાતાવરણમાં યોગમય બન્યા હતા. બારડોલીના સ્વરાજ આશ્રમના પટાંગણમાં આયોજિત યોગના કાર્યક્રમમાં વનમંત્રીએ ઉપસ્થિત સૌને પ્રતિદિન યોગાભ્યાસ કરવાની પ્રેરણા આપતા જણાવ્યું કે, ‘યોગ ભગાડે રોગ’ એ વાસ્તવિકતા છે. યોગથી શારીરિક તંદુરસ્તીની ભેટ મળે છે. નિયમિત યોગાભ્યાસ શારીરિક અને માનસિક વિકાસમાં ખૂબ કારગર નીવડે છે એમ જણાવી વડાપ્રધાનના પ્રયાસોથી 2014થી વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી થઈ રહી છે એ ભારત માટે ગૌરવપ્રદ સિદ્ધિ છે એમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે ‘વિશ્વ યોગદિન’ની ઉજવણીના પ્રણેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રીનગર ખાતે ‘‘વિશ્વ યોગદિન’’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જેનું જીવંત પ્રસારણ જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ યોગ સાધકોએ નિહાળ્યું હતું. આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર, તા.પંચાયત પ્રમુખ જમનાબેન રાઠોડ, નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ પ્રાંત અધિકારી જિજ્ઞા પરમાર, અગ્રણીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, યોગ બોર્ડના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં યોગસાધકો યોગમય બન્યા હતા.