Gujarat Budget 2024-25: બજેટ સમગ્ર સમાજના સર્વગ્રાહી અને સાતત્યપૂર્ણ વિકાસને પ્રાધાન્ય આપે છે-ભુપેન્દ્ર પટેલ
🎬 Watch Now: Feature Video
ગાંધીનગરઃ આજે ગુજરાતના નાણાં પ્રધાન કનુ દેસાએ વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યુ છે. આ બજેટને લઈને મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમણે વર્ષ 2024-25નું ગુજરાત રાજ્યનું બજેટ સમગ્ર સમાજના સર્વગ્રાહી અને સાતત્યપૂર્ણ વિકાસને પ્રાધાન્ય આપે છે તેમ જણાવ્યું હતું. ભુપેન્દ્ર પટેલે વડા પ્રધાન મોદીના વિક્સિત ભારત 2047 અભિયાનને ગુજરાત વેગ આપી શકે તે માટે આ બજેટ યોગ્ય હોવાનું કહ્યું હતું. તેમણે ગત વર્ષ કરતા આ બજેટમાં 10 ટકાનો વધારો કરીને નાણાં પ્રધાને ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટા કદનું એટલે કે 3,32,465 કરોડ રુપિયાનું બજેટ ગુજરાતની જનતા સમક્ષ રજૂ કર્યુ તે બદલ ધન્યવાદ પાઠવ્યા હતા. મુખ્ય પ્રધાને આ બજેટને રાજ્યના ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને પ્રાધાન્ય આપી તેમના વિકાસ માટે અનુકુળ બજેટ હોવાનું જણાવ્યું હતું. રાજ્ય સરકાર ગુજરાતને 5 જી ગુજરાત બનાવવા જઈ રહી છે. જેમાં અન્ય રાજ્યોથી શ્રેષ્ઠ રાજ્ય હોય તેવું ગરવું ગુજરાત, મૂલ્ય નિષ્ઠ નાગરિક જીવન, પર્યાવરણ સમતોલન અને સાંસ્કૃતિક વારસાના જતન સાથેનું ગુજરાત બનાવવાનું છે. આ બજેટમાં કિશોરી અને મહિલાઓના સશક્તિકરણ માટે વિશિષ્ટ ફાળવણી કરવામાં આવી છે. જેમાં 3 નવી યોજનાઓ પણ શરુ કરવામાં આવી છે. નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને નમો શ્રી યોજના શરુ કરી છે.
ગુજરાતની દીકરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણ ત્રણેયને પ્રોત્સાહિત કરવાનો હોલિસ્ટિક એપ્રોચ અપનાવ્યો છે. આ વર્ષના બજેટમાં નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને નમો શ્રી નામક 3 નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. હું નાણાં પ્રધાન અને તેમની ટીમને કુલ રુપિયા 3,32,465 કરોડ રુપિયાનું બજેટ ગુજરાતની જનતા સમક્ષ રજૂ કર્યુ તે બદલ ધન્યવાદ પાઠવું છું...ભુપેન્દ્ર પટેલ(મુખ્ય પ્રધાન, ગુજરાત)