Mahashivratri 2024: પોરબંદરમાં ભોજેશ્વર મહાદેવને સોનાના ઘરેણાનો શણગાર, 200 વર્ષથી ચાલતી આવતી પરંપરા - Mahashivratri 2024
🎬 Watch Now: Feature Video
Published : Mar 9, 2024, 10:23 AM IST
પોરબંદર: જિલ્લાના ભોજેશ્વર મહાદેવના મંદિરે મહાદેવને શિવરાત્રીના દિવસે રાજાશાહી વખતના ઘરેણાનો શણગાર કરવામાં આવે છે. છેલ્લા 200 વર્ષથી ચાલતી આવતી આ પરંપરા હજુ જીવંત છે.
200 વર્ષથી ચાલતી આવતી પરંપરા: પોરબંદરના ભોજેશ્વર મહાદેવના મંદિરે વર્ષો પહેલા પોરબંદરના રાજા ભોજરાજે આ પરંપરા શરૂ કરી હતી. રાજાએ શિવજીના શણગાર માટેના સોનાના ઘરેણા આપ્યા હતા. જેમાં સોનાનો કંદોરો જેમાં 59 ઘુઘરી સોનાનો ટોપ તથા માતાજીને સોનાના ઝાંઝર, જેમાં બે ચપટી ઘૂઘરી, ચાર બલોયા, સોનાની બંગડી, સોનાનું મુગટ, જયપુરી જડતરનો ચાંદલો, છ લટકણીયા મળીને અંદાજે એકથી સવા કિલો જેટલું સોનું થાય છે. આ ઉપરાંત ચાંદીનું છત્ર જેમાં ૩૬ ઘુઘરીઓ છે. આ તમામ દાગીના સરકારી તિજોરી કચેરીમાં સુરક્ષિત રાખવામાં આવે છે અને માત્ર શિવરાત્રીના દિવસે જ ભોજેશ્વર મહાદેવના મંદિરમાં પોલીસ સુરક્ષા બંદોબસ્ત સાથે શણગાર કરવા માટે લાવવામાં આવે છે.
પોરબંદરનું ભોજેશ્વર મહાદેવનું મંદિર 200 વર્ષ જૂનું છે. પરંતુ આ પરંપરા અંદાજે 100 વર્ષ પહેલા પોરબંદરના રાજા વિક્રમ તાજી જેને લોકો ભોજરાજ પણ કહેતા તેઓએ શરૂ કરી હતી. તે સમયે રામ શંકર પ્રજારામ જોશી પૂજારી હતા તેમજ તેના પૌત્ર કિશોરચંદ્ર હાલ મંદિરમાં પૂજા કરી રહ્યા છે અને કિશોરચંદ્રના પુત્ર ઉપેન્દ્ર જોશી પણ હાલ પૂજા કરી રહ્યા છે. આમ ત્રણ પેઢીથી પૂજા કરી અને શણગારની પરંપરા જાળવી રહ્યા છે.
મંદિરનો વિકાસ થાય તે જરૂરી: પૂજારી
રાજાશાહી વખતથી આ મંદિર પોરબંદરમાં બાંધવામાં આવેલ છે. પહેલા તમામ તહેવારોમાં આભુષણો શણગાર કરવામાં આવતો પરંતુ હવે માત્ર શિવરાત્રીના તહેવાર પર જ આભુષણોનો શણગાર થાય છે. પરંતુ સરકાર દ્વારા કોઈ પ્રકારની દરકાર લેવામાં આવતી નથી અને વિકાસ કરવામાં આવે તે જરૂરી છે. - ઉપેન્દ્ર જોશી, પૂજારી